અમરેલી ખાતે રસ્તાના વિકાસકાર્યોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

અમરેલી ખાતે રસ્તાના વિકાસકાર્યોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો
Spread the love

અમરેલી ખાતે પ્રભારી મંત્રીશ્રીની અધ્યક્ષતામાં રૂ. ૧૦૩૦ લાખના રસ્તાના વિકાસકાર્યોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમમાં એનસીયુઆઈના ચેરમેનશ્રી, ફાઈનાન્સ બોર્ડના ચેરમેનશ્રી અને સાંસદશ્રીની પ્રેરક ઉપસ્થિતિ

અમરેલી તા. ૧૨ ડીસેમ્બર, અમરેલીના દિલીપભાઈ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે ગુજરાત રાજ્યના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાની અધ્યક્ષતામાં અને એનસીયુઆઈના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી, ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી તેમજ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અમરેલી નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવવામાં આવેલ રૂ. ૧૦૩૦.૮૫ લાખના જુદા જુદા વિસ્તારમાં ૩૧૦ લોકેશન પર સીસી ટ્રીમિક્સ અને પેવિંગ બ્લોક રોડના પ્રતિક ખાતમુહૂર્ત માટે ખાસ કાર્યક્રમ યોજાયો હતો.

પ્રભારી મંત્રી શ્રી આર. સી. મકવાણાએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જણાવ્યું હતું કે વર્ષો પહેલા એવો જમાનો હતો કે ઓક્ટ્રોય અને અન્ય આવક મેળવી નગરપાલિકા પોતાના કર્મીઓના પગાર કરતી હતી પરંતુ આજે એ જમાનો છે કે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને અને રાજ્ય સરકાર તરફથી જે તે નગરપાલિકાને વિકાસ કાર્યો કરવા માટે ગ્રાન્ટનો ધોધ વહે છે. રાજ્ય સરકારના જે લોકપ્રતિનિધિઓ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરે છે એ જ લોકપ્રતિનિધિઓ લોકાર્પણ કરે છે.

ગ્રામ્ય સ્તરે આવેલા બદલાવના સંદર્ભમાં વાત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આજે શહેરની સરખામણીએ ગ્રામીણ જીવન ઘણું ઊંચું આવ્યું છે. મહાનગરોમાં જે કંઈ પણ સુખ સુવિધાઓ લોકોને મળે છે આજે એવી જ સુવિધાઓ નાનામાં નાના ગામના રહેવાસીને મળે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘ નેતૃત્વમાં આ બધું જ શક્ય બન્યું છે.

એનસીયુઆઈના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે પહેલાના જમાનામાં વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ મેળવવા ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો પરંતુ હવે નગરપાલિકાને સામે ચાલીને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. હાલના સમયમાં નગરપાલિકાઓ પારદર્શક રીતે વિકાસના ધ્યેય સાથે કાર્ય કરે છે. અમરેલી નગરપાલિકાના પ્રમુખશ્રી અને ટીમને અભિનંદન પાઠવી સારું કાર્ય કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરીએ પ્રાસંગિક ઉદ્દબોધન આપતા જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યની સરકાર શહેરથી લઈને નાનામાં નાના ગામડા સુધી વિકાસનો ઉજાસ પાથરી રહી છે. છેલ્લા પાંચ વર્ષોમાં શહેરી વિકાસના કામોમાં ઉતરોતર વધારો જ થયો છે. ચેરમેનશ્રીએ હાથ ધરવામાં આવેલા વિકાસ કાર્યો સમયમર્યાદામાં સારી ગુણવત્તાવાળા બને એ દિશામાં ચકાસણી કરવા નગરપાલિકાના અધિકારીઓને સૂચના આપી હતી.

કાર્યક્રમ પૂર્ણ થયે અમરેલી શહેરના ઇન્દિરા શોપિંગ સેંટર નજીક મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોએ ખાતમુહૂર્ત કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરીયા, અમરેલી નગરપાલિકાના પ્રમુખ સુશ્રી મનીષાબેન રામાણી, અમરેલી નગરપાલિકાના ઉપપ્રમુખ સુશ્રી રમાબેન મહેતા, પ્રાદેશિક નગરપાલિકા કમિશનરની કચેરીના અધિકારી શ્રી ચૌધરી તેમજ બહોળી સંખ્યામાં નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ રસિક વેગડા લોકાર્પણ દૈનિક ન્યુઝ

IMG-20211212-WA0003.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!