ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા જીલ્લા પંચાયતનો આભાર માનવામાં આવ્યો
પ્રજા વત્સલ્ય કન્યા કેળવણી ના હિમાયતી ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા ભક્તિબા ગોપાળદાસ દેસાઈ પ્રાથમિક કન્યા શાળા નામકરણ બદલ અમરેલી જિલ્લા પંચાયત પ્રત્યે આભાર વ્યક્ત કરાયો
ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા જીલ્લા પંચાયતનો આભાર માનવામાં આવ્યો
ભક્તિબા ગોપાળદાસ દેસાઈ પ્રાથમિક કન્યા શાળા નામકરણ બદલ આભાર વ્યક્ત કરાયો
શરત મુજબ ગામમાં દરબાર ગોપાળદાસ દેસાઈની પ્રતિમા મૂકવા માંગ કરવામાં આવી
ધારી તાલુકાના ઢસા (હાલનું ગોપાલગ્રામ)ના રાજવી અને સ્વાતંત્ર્ય સેનાની પૂ. દરબાર ગોપાળદાસ દેસાઈએ પોતાનું રજવાડું લોક સમર્પિત કર્યા બાદ તેમના ધર્મપત્ની પૂ. ભક્તિબા અને તેમનાં વારસદારો દ્વારા ગોપાલગ્રામ ગામની મધ્યમાં આવેલ પોતાનું નિવાસસ્થાન એટલે કે, દરબાર ગઢને પણ ૧૯૭૫ ની સાલમાં સાર્વજનિક ઉપયોગ અર્થે જન સમર્પણ કરેલ અને તેનાં જતન-જાળવણી-વ્યવસ્થાપન માટે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવેલ.
આ સંસ્થા દ્વારા ૨૦૦૬ ની સાલમાં તત્કાલીન પ્રમુખ સ્વ. વી.ડી.પટેલના વડપણ હેઠળ ગામની દીકરીઓના શિક્ષણ માટે ગોપાલગ્રામ ગ્રામ પંચાયત હસ્તક અમરેલી જીલ્લા પંચાયતને દરબાર ગઢની અંદરની જમીન કન્યા કેળવણીના હેતુસર શરતોને આધિન ફાળવવામાં આવી છે. આ શરતોમાં શાળાનું નામ ભક્તિબા ગોપાળદાસ દેસાઈ પ્રાથમિક કન્યા શાળા રાખવાનું રહેશે તેમજ દરબારશ્રી ગોપાળદાસ દેસાઈનું સ્ટેચ્યુ મૂકવાનું રહેશે તેવું ઠરાવવામાં આવેલ.
જીલ્લા પંચાયત અમરેલી શિક્ષણ સમિતિ દ્વારા જાન્યુઆરી ૨૦૨૨ માં ઠરાવ કરી ગામની કન્યા શાળાનું નામ ભક્તિબા ગોપાળદાસ દેસાઈ પ્રાથમિક કન્યા શાળા રાખવાનો હુકમ કરવામાં આવતાં ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શંભુભાઈ વાડદોરિયા, ટ્રસ્ટી વાઘજીભાઈ સોલંકી, રજનીભાઈ કામદાર (મુંબઈ), ગોપાલગ્રામ લેઉવા પટેલ સમાજના પ્રમુખ ચુનીભાઈ વાડદોરિયા, ગોપાલગ્રામના વતની અને જીલ્લાની જાણીતી સેવાભાવી સંસ્થા સંવેદન ગૃપ અમરેલીના પ્રમુખ વિપુલ ભટ્ટી તેમજ ગોપાલગ્રામના ગ્રામજનો સહિત ધંધાર્થે બહાર ગામ સ્થાયી થયેલાં સૌ વતનપ્રેમીઓએ સ્થાનિક સ્વરાજ્યના શાસકો અને વહીવટી તંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી છે. આભારપત્ર સાથે અગાઉ ઠરાવેલ અન્ય શરત મુજબ જીલ્લો જેનું ગૌરવ લઈ શકે એવાં ત્યાગી અને પ્રજા વત્સલ રાજવી, સ્વાતંત્ર્ય સેનાની પૂ. દરબાર ગોપાળદાસ દેસાઈ સાહેબની પ્રતિમા નિર્માણ કરવાની માંગ ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગામના વરિષ્ઠ આગેવાન શંભુબાપા વાડદોરિયાએ કરી છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756