કષ્ટભંજન, અખંડ ભારત સહિતની થીમ ઉપર તૈયાર શ્રીજીના આકર્ષણ વચ્ચે રોજ રાતે ભક્તોની ભીડ
ભરૂચમાં હાલ ગણેશ મહોત્સવ હવે અંતિમ ચરણમાં પોહચવા સાથે જ ચારધામ, અખંડ ભારત, કષ્ટભંજન, અમરનાથ, શિવખોડી સહિતના ડેકોરેશન થીમ તેમજ વિવિધરૂપમાં શ્રીજીને જોવા ભક્તોની ભીડ બમણા ઉત્સાહથી ઉમટી રહી છે. ભરૂચમાં અલગ અલગ યુવક મંડળો દ્વારા ચારધામની પ્રતિકૃતિ સહિતના શ્રીજીને બિરાજમાન કરાયા છે. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
હિન્દૂ ધર્મની અનન્ય આસ્થાના પ્રતિક એવી ચારધામ યાત્રાએ સૌ કોઈ જઈ શકતું નથી, ત્યારે વડીલો અને બાળકો પણ આ યાત્રાનો ભરૂચમાં જ લાભ લે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. ગણેશ મહોત્સવ દરમ્યાન અલગ અલગ ડેકોરેશન કરવાનો ટ્રેન્ડ જોવા મળી રહયો છે. ત્યારે શહેરના વિવિધ ગણેશ મંડળો દ્વારા ચારધામ યાત્રાની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. અંબિકા યંગસ્ટર નામના યુવક મંડળ દ્વારા કેદારનાથ ધામની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ભરૂચના પંચવટી યુવક મંડળ દ્વાર બદ્રીનાથની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે.બી.મોદી પાર્ક નજીક આવેલ દેવદર્શન ફ્લેટમાં ગણેશ ભક્ત મીરલ રાણા દ્વારા યમુનોત્રી ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. અયોધ્યા નગરમાં આવેલ યુવા શક્તિ મંડળ દ્વારા ગંગોત્રી ધામનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે ગણેશ વિસર્જનને બે દિવસ જ બાકી સાંજ પડતા જ ગણેશ આયોજન સ્થળે કતારો લાગવાની શરૂ થઈ રહી છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ