આમોદ અને જંબુસરમાં 7 દિવસના આતિથ્ય બાદ દુંદાળાદેવનું વિસર્જન

આમોદ અને જંબુસરમાં સાત દિવસના આતિથ્ય બાદ દુંદાળાદેવે વિદાય લીધી હતી. બંને નગરોમાં વાજતે ગાજતે નીકળેલી શ્રીજી સવારીઓને નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. આમોદ અને જંબુસરમાં ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિની ભકિતસભર માહોલમાં સ્થાપના કરવામાં આવી હતી. સાત દિવસ સુધી બંને નગરોમાં ગણેશ મહોત્સવની ધૂમ જોવા મળી હતી. વિવિધ ગણેશ યુવક મંડળોએ સ્થાપિત કરેલી ગણેશજી કલાત્મક પ્રતિમાઓ અને ડેકોરેશન જોવા માટે લોકોની ભીડ જામી હતી. બુધવારે સાત દિવસના આતિથ્ય બાદ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
જંબુસરમાં વિવિધ મંડળોએ સ્થાપિત કરેલા ગણપતિની પ્રતિમાઓ સવારી સ્વરૂપે મરાઠા વાડ ખાતે લાવવામાં આવી હતી જયાંથી શ્રીજી વિસર્જનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને ગણેશ સવારીઓ નાગેશ્વર તળાવ, પિશાચ મહાદેવ તળાવ અને નીલકંઠેશ્વર તળાવ ખાતે પહોંચી હતી જયાં નગરપાલિકા દ્વારા તરવૈયાઓ અને તરોપા હાજર રાખવામાં આવ્યાં હતાં. શાંતિપુર્ણ માહોલમાં ગણેશ વિસર્જન સંપન્ન થયું હતું.
ગણેશ સવારીઓનું મુસ્લિમ બિરાદરોએ સ્વાગત કર્યું હતું.
આમોદ નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ મહેશ પટેલ સહિત ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ સહિતના લોકોએ ગણપતિ દાદાને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. ઉપરાંત આમોદ પોલીસ મથકે ગણપતિ દાદાને આમોદ પોલીસ સબ ઇન્સપેક્ટર જે.જી કામળિયા સાથે એસ.આર.પી.ના જવાનોએ સલામી આપી હતી.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ