મહારાષ્ટ્ર, કર્ણાટક, અસમ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજયોમાં બોમ્બે ડક માછલીની માંગ

સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના
દરિયાકાંઠે બોમ્બે ડક (બુમલા) મચ્છી જોવા મળે છે
મહારાષ્ટ્ર, કર્ણાટક, અસમ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજયોમાં બોમ્બે ડક માછલીની માંગ
બાંગ્લાદેશ, શ્રીલંકા સહિતના પાડોશી દેશોમાં નિકાસ થાય છે બોમ્બે ડક માછલીની
જાફરાબાદ, રાજપરા અને નવાબંદરમાં માછલીઓની સૂકવણીનું કામ મોટા પ્રમાણમાં
જિલ્લામાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે રુ.૩૫૬૭.૪૬ લાખની સહાય
અમરેલી, તા.૨૩ સપ્ટેમ્બર, ૨૦૨૨ (શુક્રવાર) માછીમારોના સર્વાંગી વિકાસના સંકલ્પ સાથે માછીમારોના કલ્યાણ અર્થે સાગર પરિક્રમા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની મત્સ્ય ઉદ્યોગ કલ્યાણકારી યોજનાઓનો લાભ માછીમારોને મળી રહે તે માટે તા.૨૪ સપ્ટેમ્બર, ૨૦૨૨ને શનિવારના રોજ સાંજે ૪.૩૦ વાગ્યે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં, અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર સ્થિત કામનાથ મહાદેવ મંદિર નજીક આવેલા સમૂહ લગ્ન મેદાન ખાતે માછીમારોને હાથોહાથ વિવિધ સહાય યોજનાઓનો લાભ આપવામાં આવશે. અમરેલી જિલ્લામાં મત્સ્યોદ્યોગની દ્રષ્ટિએ જાફરાબાદ, રાજપરા અને નવાબંદરમાં માછલીઓની સૂકવણીનું કામ મોટા પ્રમાણમાં થાય છે, તેથી આ વિસ્તારને ડ્રાઇફિશીંગ ઝોન તરીકે ઓળખવામાં આવે છે. મચ્છીની સૂકવણી પ્રવૃત્તિમાં મોટાભાગે મહિલાવર્ગ જોડાયેલો છે. આ વિસ્તારમાં ડોલનેટ જાળ દ્વારા ફિશીંગ કરવામાં આવે છે. જેમાં મુખ્યત્વે બોમ્બે ડક, રીબન ફિશ, ધોલ, મેન્દલી, તુરા, પ્રોમફ્રેટ જેવી મચ્છીઓ પકડવામાં આવે છે.
સમગ્ર ગુજરાતમાં બોમ્બે ડક (બુમલા) મચ્છી સૌથી વધુ આ વિસ્તારમાંથી મળી આવે છે. આ મચ્છીમાં પાણીનું પ્રમાણ ૯૦ % જેટલું હોવાથી મુખ્યત્વે તેને સૂકવવામાં આવે છે. કાઠી ઉપર બે-ત્રણ દિવસ સૂધી માછલીઓને સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેના ૨૦૦ નંગ લેખે બંડલ બનાવી એવા ૪ બંડલને સાથે રાખી ૧૦ કિલોનું ૧ બંડલ તૈયાર કરવામાં આવે છે. બોમ્બે ડકની માંગ સ્થાનિક સ્તરે તેમજ મહારાષ્ટ્ર, કર્ણાટક, અસમ અને પશ્ચિમ બંગાળ સહિતના રાજયો તેમજ બાંગ્લાદેશ, શ્રીલંકા સહિતના પાડોશી દેશોમાં તેની માંગ ઘણી રહે છે. આથી તેની નિકાસ કરવામાં આવે છે. બોમ્બે ડક સિવાય અન્ય ’કુટો’ તરીકે ઓળખાતી પરચૂરણ મચ્છીઓ ડોલનેટ ફિશીંગમાં આવે છે આથી તેની સૂકવણી પણ આ વિસ્તારમાં કરવામાં આવે છે, જેનો ઉપયોગ ફિશમીલ, પોલ્ટ્રી મીલ તથા ફર્ટિલાઈઝર તરીકે બહોળા પ્રમાણમાં થાય છે. ડોલનેટ ફિશીંગમાં અન્ય એક ’ઘોલ’ નામની ખૂબ કિંમતી મચ્છી પણ પકડવામાં આવે છે. જે સામાન્ય રીતે ૫ કિલો થી લઈ ૨૫ કિલો સુધીનું વજન ધરાવતી હોય છે. જેમાં માદા મચ્છીની કિંમત પ્રતિ કિલોગ્રામ રુ.૨ થી રુ.૩ હજાર સુધી મળી રહે છે. આ મચ્છી એક સાથે વધુ સંખ્યામાં પકડવાથી એકજ ફિશીંગમાં આશરે રુ.૫૦ લાખ થી રુ.૮૦ લાખ સુધીની આવક થાય છે. આ મચ્છીમાંથી મળતું એર બ્લડર (પોટા) તેની વધુ કિંમત અપાવનારું પરિબળ છે. વળી તે પ્યુરીફિકેશન તથા સર્જીકલ સૂતરમાં ઉપયોગી નિવડે છે. આ વિસ્તારમાં મુખ્યત્વે ખારવા, કોળી અને મુસ્લિમ જાતિના નાગરિકોનો વસવાટ કરે છે અને માછીમારીની પ્રવૃત્તિ થકી રોજગારી મેળવે છે.
ફિશીંગ સીઝનની શરુઆત વખતે નાળિયેરી પૂર્ણિમાના દિવસે સમાજના તમામ લોકો દ્વારા વાજતે ગાજતે ઢોલનગારાં સાથે દરિયાદેવનું પૂજન કરવામાં આવે છે. ખારવા સમાજ દ્વારા પોતાની બોટના પ્રતિક સ્વરુપ નાની બોટ નાળિયેરીના છાલા, થર્મોકોલ તથા પતરામાંથી બનાવી ચૈત્રી પૂર્ણિમાના દિવસે દરિયામાં તરતી મૂકી દરિયાદેવ પ્રત્યે પોતાનો ભાવ અને લાગણી વ્યક્ત કરે છે. દરિયામાં મૃત્યુ પામ્યા હોય તેવા સ્વજનોને યાદ કરી તેમના આર્શિવાદ મેળવવામાં આવે છે. અમરેલી જિલ્લાના ૬૨ કિમી સહિત ગુજરાત રાજ્યને ૧,૬૦૦ કિમી લાંબા દરિયાકિનારાનું વરદાન પ્રાપ્ત થયું છે. અમરેલી જિલ્લામાં દરિયાઈ મત્સ્યોદ્યોગ, આંતરદેશય મત્સ્યોદ્યોગ તેમજ ભાંભરાપાણી મત્સ્યોદ્યોગ એમ ત્રણ પ્રકારના રિસોર્સનો સમાવેશ થાય છે. અમરેલી જિલ્લાનું જાફરાબાદ બંદર તેની ’બોમ્બે ડક (બુમલા)’ માછલીની પકડાસ માટે સમગ્ર ગુજરાતમાં જાણીતુ છે. અમરેલી જિલ્લામાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે જાફરાબાદ, શિયાળબેટ, ચાંચબંદર, નવાબંદર, રાજપરા તથા સીમર બંદર મળી કુલ ૬ મત્સ્ય બંદરોનો સમાવેશ થાય છે. ગુજરાતના ૧૦ મોટા મત્સ્ય ઉત્પાદન કેન્દ્રોમાંથી અમરેલી જિલ્લાના કુલ ૩ મત્સ્ય ઉત્પાદન કેન્દ્રો જાફરાબાદ, નવાબંદર તથા સૈયદ રાજપરાનો સમાવેશ થાય છે.
અમરેલી જિલ્લામાં ૧,૪૪૧ મોટી ફિશીંગ બોટો તથા ૧૯૮ નાની ફિશીંગ બોટો મળી ૧,૬૭૯ જેટલી માછીમારી બોટ નોંધાયેલી છે. અમરેલી જિલ્લામાં ૧૯,૦૨૧ કાર્યશીલ માછીમારો સાથે આશરે ૨,૯૫૭ જેટલા માછીમાર કુટુંબો દ્વારા માછીમારીનો વ્યવસાય કરવામાં આવે છે. મોટા ભાગની બોટ દ્વારા ડોલનેટર જાળનો ઉપયોગ કરી મોટા પ્રમાણમાં બોમ્બે ડક (બુમલા) માછલીનું ઉત્પાદન તથા મેન્દલી, જમ્બો જિંગા, ધોલ, કુથ, ઢોમા, જીભ, ખાગા, પાપલેટ, સૂરમાઈ, ડાઈ, ટીટણ, કુટો જેવી વગેરે કિંમતી માછલી પકડવામાં આવે છે. માછીમારીને વધુ શ્રેષ્ઠ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ સહાય યોજનાથી લાભાન્વિત કરવામાં આવે છે. બોટને વિવિધ પ્રકારની સહાય ચૂકવવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન પગડીયા સહાય, જી.પી.એસ સહાય, નવા એન્જીન ખરીદવા, નવા આઈસ પ્લાન્ટ, માછલી સપ્લાય કરવા રેફ્રરીજરેટેડ વાન, ઓબીએમ/આઈબીએમ, પોલી પ્રોપોલીન રોપ, જમ્બો પ્લાસ્ટીક ક્રેટ, લાઈફ સેવિંગ જેકેટ અને ડીપ ફ્રીઝર જેવી યોજનાઓના લાભ પેટે ૨૩૧ માછીમારી બોટોને રુ.૧૨૯.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત માછીમાર કિસાન ક્રેડિટ કાર્ડ સ્વરુપે ૨૯૭ માછીમાર બોટ માલિકોને રુ.૭૮૯.૯૦ લાખની લોન મંજૂર કરવામાં આવી છે. માછીમાર જૂથ અકસ્માત યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન કુલ ૧૨ મૃત્તક માછીમારના વારસદારોને રુ.૨૪.૦૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. ડિઝલ વેટ રાહત યોજના અંતર્ગત માછીમારોને છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રુ. ૨૬૦૮.૩૯ લાખ વેટ રાહત ચૂકવવામાં આવી છે. કેરોસીન વેટ રાહત યોજના અંતર્ગત માછીમારોને છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન રુ.૬.૬૭ લાખ વેટ રાહત ચૂકવવામાં આવી છે. આમ, રાજય સરકારના દ્વારા મત્સ્યોદ્યોગ ખાતા મારફતે જિલ્લામાં દરિયાઈ મત્સ્ય ઉત્પાદન ક્ષેત્રે રુ.૩૫૬૭.૪૬ લાખની સહાય મંજૂર કરવામાં આવી છે.
આંતરદેશીય મત્સ્યોદ્યોગ ક્ષેત્રે અમરેલી જિલ્લા ખાતે અલગ-અલગ જગ્યાએ કુલ ૩૩ જળાશયો છે. જેમાં ૨ હેક્ટરથી ૫૪૭ હેક્ટર સુધીના જળાશયોનો સમાવેશ છે. જે કામગીરી માટે ૧૧૬ કુટુંબો દ્વારા મત્સ્ય ઉત્પાદન કરવામાં આવે છે. કટલા, મૃગલ, રોહુ જેવી વગેરે માછલીઓનું મત્સ્ય બીજ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. મહત્વનું છે કે, ઈજારેદારને ગુજરાત સરકાર દ્વારા મત્સ્ય બીજ રાહત પેકેજ અંતર્ગત સહાય આપવામાં આવે છે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મત્સ્ય બીજ રાહત રકમ, બોટ નેટ ઉપર સહાય અને પ્લાસ્ટિક ક્રેટ સહાય પેટે રુ.૨.૩૬ લાખની સહાય ચૂકવાવમાં આવી છે. ભાંભરાપાણી મત્યોદ્યોગ ક્ષેત્રે અમરેલી જિલ્લા ખાતે ૪૪ મીઠા અગરોનો સમાવેશ થાય છે. ૮ ઝીંગા ફાર્મનો સમાવેશ છે. જેમાં ઝીંગા બીજ સંગ્રહ કરી ઝીંગાનું ઉત્પાદન કરવામાં આવે છે. મીઠા અગરોમાંથી મીઠાનું ઉત્પાદન કરી અલગ-અલગ રાજ્યોમાં ઉચ્ચ કક્ષાની મીઠા ઉત્પાદન સાથે સંકળાયેલ કંપનીઓને તે મીઠું પૂરું પાડવામાં આવે છે. ભાંભરાપાણી મત્સ્યોદ્યોગ ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન મત્સ્ય ઉછેર તાલીમ, એરેટર સહાય અને ઝીંગા ખોરાક તથા બીજ ઉપર સહાય પેટે રુ.૨.૮૮ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
તાઉતે વાવાઝોડા દરમિયાન માછીમાર પરિવારો, માછીમારી બોટ તથા મત્સ્ય બંદરો ઉપર મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેને ધ્યાને લઈ વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ગુજરાત રાજય સરકાર દ્વારા માછીમાર પરિવારને ફરી બેઠાં કરવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ સહાય ચૂકવવામાં આવી. મહત્વનું છે કે, મત્સ્યોદ્યોગ ખાતા મારફતે અમરેલી જિલ્લામાં ૮૧૬ માછીમારી બોટોને રુ.૧૧૩૦.૧૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. બંદર બાંધકામ યોજના અંતર્ગત નવાબંદર ખાતે યુરોપીય યુનિયન ધારા ધોરણ મુજબ રુ.૨૯૫.૦૦ કરોડના ખર્ચે મત્સ્ય બંદર વિકસાવવા બંદર બાંધકામ હાલ શરુ કરવામાં આવ્યું છે. સૈયદ રાજપરા ખાતે રુ.૫.૨૮ કરોડના ખર્ચે જેટીનું બાંધકામ હાલ શરુ કરવામાં આવ્યું છે. જાફરાબાદ ખાતે જેટીના સમારકામ માટે સરકાર દ્વારા રુ.૧૧.૪૦ કરોડ ફાળવવામાં આવ્યા છે.
સંદર્ભ અને સૌજન્યઃ જાફરાબાદ મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકશ્રી કે.એમ. સિકોતરીયા દ્વારા આપવામાં આવેલી વિગતો પરથી સંકલિત અહેવાલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756