ધાર્મિક કથા મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર,
ધાર્મિક કથા
મોઢેરાનું વિશ્વપ્રસિદ્ધ સૂર્ય મંદિર,
ધરતી પર જો કોઈ જીવતા જાગતા દેવની પૂજા થતી હોય તો તે સૂર્ય નારાયણ છે. આ એવા દેવ છે જેના વગર જનજીવન શક્ય નથી. અખિલ બ્રહ્માંડમાં જેની આદિ અનાદીકાળથી ભક્તિ થતી આવી છે તેવા સૂર્ય દેવના મુખ્ય મંદિરો ભારતમાં બે જ સ્થળે આવેલા છે. જેમાં એક ઓડિશાના કોર્ણાકમાં અને બીજુ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરામાં, જે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર હસ્તશિલ્પનો ઉત્કષ્ટ નમૂનો છે. ત્યારે આ જગવિખ્યાત સૂર્ય મંદિરની મુલાકાત મારે માટે એક વિશેષ સંભારણું બની ગઇ છે. સૂર્ય મંદિરનું નિર્માણ કરાવનાર રાજ વંશ સોલંકી કુળના હતા. સોલંકી વંશને સૂર્યવંશી પણ કહેવાય છે. તેઓ સૂર્યને કુળદેવતાના રૂપમાં આજે પણ પૂજે છે. પોતાના આદ્ય દેવતાની આરાધના માટે આ ભવ્ય મંદિરનું નિર્માણ પાટણના રાજવી ભીમદેવ સોલંકી પહેલાના શાસન (ઇ. સ. 1022-1963) દરમિયાન ઈ.સ. 1026-1027માં થયું હતું. મંદિર 23.6 અક્ષાંશ પર કર્કવૃત્તની નજીક બંધાયેલું છે. આ મંદિર પહેલાં સ્થાનિકોમાં ‘સીતાની ચૌરી’ અને ‘રામકુંડ’ તરીકે જાણીતું હતું. અલ્લાઉદ્દીન ખિલજીએ પોતાના આક્રમણ દરમિયાન મંદિરને ખૂબ જ નુકશાન પહોંચાડ્યુ હતું અને મંદિરની મૂર્તિઓ તોડફોડ કરી હતી. આ સૂર્યમંદિર તેની કોતરણી અને કળા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. મંદિરના ગર્ભગૃહ પાસે આવેલા શિલાલેખમાં ઇ.સ. 1027નો ઉલ્લેખ જોવા મળે છે. મંદિરના સભામંડપમાં કુલ 52 સ્તંભ છે. આ સ્તંભો પર વિવિધ દેવી-દેવતાઓના ચિત્રો અને રામાયણ અને મહાભારતના પ્રસંગોને કોતરીને તૈયાર કરાયા છે. આ સ્તંભોને નીચેની તરફ જોતા તેઓ અષ્ટકોણાકાર અને ઉપરની તરફ જોતા એ ગોળ દેખાય છે. મંદિરનું સ્થાપત્ય મારુગુર્જર શૈલીમાં છે. આ મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં ક્યાંય પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. ઈરાની શૈલીમાં નિર્મિત આ મંદિરને સોલંકી ભીમદેવે બે ભાગમાં નિર્મિત કરાવ્યું હતું. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજો સભામંડપનો છે. સભામંડપનું બાંધકામ ગૂઢમંડપની સાતત્યમાં નથી પણ થોડું દૂર એક અલગ બાંધકામ તરીકે છે. બંને બાંધકામો ઉંચા ચબૂતરા પર બંધાયેલ છે. તેમનાં શિખરો, ઉપરની છતને બાદ કરતાં, ઘણાં વર્ષો પહેલાં ભાંગી પડેલાં છે. બંનેની છતોનો વ્યાસ ૧૫ ફૂટ ૯ ઇંચ જ છે પણ તે સંપૂર્ણ અલગ અલગ રીતે બંધાયેલો છે. મંદિરના ગર્ભગૃહના અંદરની લંબાઈ 51 ફૂટ, 9 ઈંચ અને પહોળાઈ 25 ફૂટ 8 ઈંચની છે. આ મંદિર પૂર્વાભિમુખ છે. તેથી વહેલી સવારે સૂર્ય ઊગે ત્યારે તેનાં કિરણો સીધાં ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડતાં સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઊઠતું હશે. પરિણામે સમગ્ર વાતાવરણમાં દિવ્યતા પ્રગટતી હશે. સભામંડપ કે રંગમંડપ ચતુષ્કોણીય બાંધકામ ધરાવે છે કે જેમાં દરેક વિકર્ણના બિંદુ પરથી પ્રવેશદ્વાર પણ આપેલો છે. આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે. સૂર્ય મંદિરનાં કલાત્મક શિલ્પોમાં કેટલાંક કામશાસ્ત્રને લગતાં શિલ્પો છે. આ સૂર્યમંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનો વિશાળ જળકુંડ છે, જેને રામકુંડ અથવા સૂર્યકુંડ પણ કહેવાય છે, તે લંબચોરસીય છે. તેનું માપ ઉત્તરથી દક્ષિણ દિશામાં ૧૭૬ ફૂટનું અને પૂર્વથી પશ્ચિમમાં ૧૨૦ ફૂટનું છે. પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે. અહીંના બે સ્તંભો સૂચવે છે કે કોઈક સમયે કિર્તીતોરણ પણ હતું આ કુંડની ચારે દિશાએ નાનાં નાનાં કુલ 108 મંદિરો (દેરીઓ) આવેલાં છે. તેમાં સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાળાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે. અહીં પહોંચતા જ એક નવો અહેસાસ થશે. આ સૂર્ય મંદિરની બનાવટ અને તેનું નકશી કામ અદભૂત, અવિસ્મરણીય છે. એટલું અદભૂત છે કે તેને શબ્દોમાં ન વર્ણવી શકાય. સાચી મજા તો ત્યાં પહોંચીને જ લઈ શકાય. હાલના સમયમાં આ મંદિરમાં પૂજા થતી નથી. આ મંદિર ભારતીય પુરાતત્વ ખાતા દ્વારા રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરાયેલ છે. આ ઉપરાંત મંદિરનાં સંકૂલમાં જ મ્યુઝિયમ પણ બનાવેલું છે, જ્યાં આ પૌરાણિક મંદિરમાંથી નીકળેલી અલભ્ય મૂર્તિઓ પ્રદર્શિત કરાયેલી છે, જે ખરે જ જોવાલાયક છે. મંદિરમાં જવા માટે એન્ટ્રી ફી પ્રતિ વ્યક્તિ 25/- છે અને 15 વર્ષથી નીચેના બાળકો માટે free છે. ખાનગી વાહનો માટે પાર્કિંગ ચાર્જ 50/- છે. અમદાવાદથી મોઢેરા સૂર્ય મંદિરનું અંતર 101 કિલોમીટરનું છે. મોઢેરા સૂર્ય મંદિર સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે ૩ દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ઉત્તરાયણ પછી યોજે છે, જે ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે. આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્યોનો તેવી રીતે પ્રદર્શિત કરવાનો છે, જે રીતે તે વાસ્તવિકતાથી રજૂ થતાં હતાં. આ સમયે રાત્રે નયનરમ્ય રોશનીથી સમગ્ર મંદિર ઝગમગતું હોય છે.
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300