હોટલ, રેસ્ટોરન્ટના માલિકો રસોયા કે વેઇટરને રાખે ત્યારે ફોટા સહિત માહિતી પોલીસ સ્ટેશનમાં આપવી જરૂરી

ગુપ્તચર સંસ્થાઓના અહેવાલો અને અમુક બનાવોથી જણાય છે કે ત્રાસવાદી કૃત્યો, અસામાજિક પ્રવૃત્તિઓ તેમજ ચોરી, લૂંટફાટ અને ખૂન જેવા ગંભીર ગુનાઓ કરતા તત્વો, બહારના જિલ્લા રાજ્યમાંથી આવી અત્રે હોટલ/ ધાબા/ રેસ્ટોરન્ટ વિ. માં રસોઇયા, વેઇટર તરીકે ગુપ્ત આશરો મેળવી પોતાની ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી જાહેર શાંતિ અને સલામતિનો ભંગ કરે છે તેમજ માનવ જિંદગી ખુવાર થાય અને લોકોની તથા જાહેર સંપતિને નુકસાન પહોંચાડે છે. મહદઅંશે આવા રસોઇયા/વેઇટર પરપ્રાંતના હોય છે અને ગુનો કરી જતા રહે છે. આવા ઇસમોની કોઇ માહિતી કે વિગતો હોટલ,/ધાબા/ રેસ્ટોરન્ટના માલિકો પાસે હોતી નથી. જેથી ગુનાઓ કર્યા બાદ આવા ઇસમોની અટક કરવી મુશ્કેલ બની જાય છે તેમજ આવા રસોઇયા, વેઇટર તરીકે કામ કરતા લોકો ઉપર વોચ રાખી શકાતી નથી. વળી, હોટલ,/ ધાબા/ માલિકો આવા ઇસમોની માહિતી રાખવા કે પોલીસને માહિતી આપવા બાબતે ગંભીર જણાતા નથી.
શ્રી આનંદ પટેલ (આઇ.એ.એસ.) જિલ્લામ મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વએયે મળેલ સત્તાની રૂએ ફરમાવ્યુ છે કે, સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોઇ હોટલ/ ધાબા/ રેસ્ટોરન્ટના માલિકો દ્વારા કોઇપણ વ્યકિતને રસોઇયા, વેઇટર તરીકે કામ ઉપર રાખવામાં આવે ત્યારે આવા ઇસમો અંગેની જરૂરી માહિતી ફોટોગ્રાફ સાથે જે તે વિસ્તારના પોલીસ સ્ટેાશન ખાતે માહિતી નિયત નમૂનામાં આપવાની રહેશે. આ હુકમ તા.૧૦/૦૧/૨૦૨૩ થી તા.૦૯/૦૨/૨૦૨૩ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે. આ હુકમ અન્વયે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકશ્રીના દરજ્જાથી પોલીસ સબ ઈન્સપેકટર સુધીનો હોદો ધરવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. ક. ૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.