જામનગર રોડના કામ દરમિયાન જેસીબી બેકાબુ બનતાં ત્રણ વીજ પોલ ધરાશાઇ થયા : રિક્ષા ચાલક નો ભોગ

જામનગરના મોરકંડા રોડ પર સનસીટી વિસ્તારમાં એક વિચિત્ર અકસ્માત બન્યો હતો. મહાનગરપાલિકાના ચાલી રહેલા રસ્તાના કામ દરમિયાન જેસીબી ચાલક બેકાબુ બન્યો હતો, અને એક વીજ પોલ સાથે ટકરાતાં વિજ વાયરો ખેંચાવાથી ત્રણ વીજ થાંભલા ભાંગી ગયા હતા અને સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો. ઉપરાંત એક વિજ થાંભલો રીક્ષા પર પડતાં તેના ચાલકને ઈજા થઈ હોવાથી હોસ્પિટલમાં ખસેડાયો છે
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના મોરકંડા રોડ પર આવેલી સનસીટી સોસાયટીમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા રસ્તાનું સમારકામ કરવામાં આવી રહ્યું છે, અને તે સમારકામ માટે એક જેસીબીને મૂકવામાં આવ્યું છે.
જે કામના સ્થળે જેસીબીના ચાલકે એકાએક કાબુ ગુમાવી દીધો હતો અને એક વીજ પોલ સાથે ટકરાઈ જતાં અકસ્માત સર્જાયો હતો.
જેસીબીની ટક્કરને લઈને વીજ થાંભલો ભાગી ગયો હતો તેની સાથે સાથે અન્ય બે વીજ થાંભલાઓ પણ ભાંગીને જમીનદોસ્ત થયા હતા, અને ચાલુ લાઈન તૂટી ગઈ હોવાથી આસપાસના સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો હતો.
આ ઉપરાંત ત્યાંથી પસાર થઈ રહેલા સૈયદ ઈસ્લામુદ્દીન બાપુ નામના રીક્ષા ચાલક ઉપર વીજપોલ પડ્યો હતો, જેમાં તેને કપાળના ભાગે ઈજા થઈ હતી અને રીક્ષાનો પણ બુકડો બોલી ગયો હતો. જે ઇજાગ્રસ્ત રીક્ષા ચાલકને તાત્કાલિક અસરથી સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, અને તેને માથામાં એકાદ ડઝનથી વધુ ટાંકા લેવા પડ્યા છે.
આ અકસ્માતના બનાવ પછી વીજતંત્ર દોડતું થયું હતું, અને નવા વીજ પોલ ઊભા કરી વીજ લાઈનની સમારકામની કાર્યવાહી હાથ ધરી છે. સાથો સાથ પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ ચલાવી રહી છે.
રિપોર્ટ : જૈનુલ સૈયદ, જામનગર.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300