વડાપ્રધાન દ્વારા ખંભાળીયા સહિત સમગ્ર દેશમાં કુલ ૯૧ એફ.એમ ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ

વડાપ્રધાન દ્વારા ખંભાળીયા સહિત સમગ્ર દેશમાં કુલ ૯૧ એફ.એમ ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું.
• ખંભાળિયાને આ નવી ભેટ મળવા બદલ નાગરિકોને અભિનંદન પાઠવતા સાંસદશ્રી પૂનમબેન માડમ
પ્રસારભારતી અને મહાનિર્દેશાલય આકાશવાણી દ્વારા સમગ્ર ભારતમાં નેશનલ બ્રોડકાસ્ટ તરીકે રેડિયોના માધ્યમથી મનોરંજન, માહિતી અને સમાચાર તથા સૂચનાઓનો બહોળો અને મહત્તમ લાભ શ્રોતાઓ અને સામાન્ય જનતાને મળે તે હેતુથી અંદાજે ૧૦૦ વોટના કુલ ૯૧ એફ.એમ ટ્રાન્સમીટર્સ સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ એફ.એમ. ટ્રાન્સમીટર્સ લોકાર્પણ કાર્યક્રમમાં ખંભાળિયા ખાતે સાંસદશ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિ રહી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ૯૧ એફ.એમ. ટ્રાન્સમિટરના લોકાર્પણથી ઓલ ઇન્ડિયા રેડિયોની એફ.એમ. સેવાઓના વ્યાપમાં મોટો વધારો થશે. દેશના ૮૫ જિલ્લાના ૨ કરોડથી વધુ લોકોને એફ.એમ. પ્રસારણનો લાભ મળશે.
વધુમાં વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું કે, મારા માટે ખુશીની વાત એ છે કે હું ઓલ ઈન્ડિયા રેડિયો ટીમનો એક ભાગ છું. દેશનાં ખેડૂતો સુધી કૃષિ પદ્ધતિઓ, હવામાન સંબધી જાણકારી, ખાદ્યપદાર્થો અને શાકભાજીના ભાવો, રસાયણોના ઉપયોગથી થતા નુકસાન વિશે ચર્ચા, કૃષિમાં આધુનિકતા વગેરેની જાણકારી પહોંચાડવામાં એફ.એમ.ટ્રાન્સમીટરની મહત્વની ભૂમિકા છે.
આ તકે પૂનમબેન માડમે જણાવ્યું હતુ કે, આજરોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશના ૯૧ એફ.એમ. ટ્રાન્સમીટર્સનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું છે. ખંભાળિયા ખાતે એફ. એમ. ટ્રાન્સમીટર્સનું લોકાર્પણ થતા ખંભાળિયાના નાગરિકોને આ નવી ભેટ મળવા બદલ શુભેચ્છા પાઠવું છું.
વધુમાં સાંસદશ્રીએ જણાવ્યું હતું કે, ૨૦ કિલોમીટર સુધીના એરિયામાં લોકો આ એફ.એમ. રેડિયોનો લાભ મેળવી શકશે. આ એફ.એમ. રેડિયોના માધ્યમથી ખેડૂતો, માચ્છીમારો સતત અપડેટ રહી શકશે. આ ઉપરાંત કુદરતી આપદાના સમયમાં લોકોને માહિતગાર પણ કરી શકાશે. તેમજ મનોરંજનના કાર્યક્રમોથી યુવાઓ પણ રેડિયોના માધ્યમમાં જોડાશે.
ટેકનોલોજીનો સદુપયોગ કરી રેડિયોના માધ્યમથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી મન કી બાતના ૧૦૦ એપિસોડ પૂરા કરવા જઈ રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ થકી વડાપ્રધાનશ્રી દ્વારા જન જન સુધી જોડાવવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ખંભાળિયા એફ.એમ. સ્ટેશનની ફ્રિક્વન્સી ૧૦૦.૧૦ છે. સવારે ૬:૦૦ કલાકથી બપોરના ૩:૦૦ કલાક તેમજ સાંજના ૫:૦૦ કલાકથી રાત્રીના ૧૧:૦૦ કલાક સુધી આકાશવાણી દ્વારા તૈયાર કરવામાં આવેલા વિવિધ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવશે
આ લોકાર્પણ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી પાર્થ કોટડિયા, ડી.વાય.એસ.પી. શ્રી પ્રજાપતિ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી સંજયભાઈ નકુમ, જામનગર ડિસ્ટ્રીકટ કો – ઓપરેટીવ બેંકના ચેરમેન પી.એસ.જાડેજા, જિલ્લાના અગ્રણીશ્રી વી.ડી.મોરી, પાલાભાઈ કરમુર, હરિભાઈ નકુમ, જીતુભાઈ કણજારિયા, હિતેશભાઈ પિંડારિયા, અનિલભાઈ તન્ના, રસિકભાઈ નકુમ, હિતેન્દ્રભાઇ આચાર્ય, તેમજ આકાશવાણીના ડે. એન્જીનીયર પ્રવીણભાઈ, પ્રોગ્રામ અધિકારી સુધીર દત્તા, એન્જીનીયર જયભાઈ ભટ્ટ, ટેકનીશિયન કે. એલ. જાદવ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300