પાટણનાં ચાણસ્મા, હારીજ, સરસ્વતી, સિદ્ધપુર તાલુકાઓમાં ખેડૂતોએ વાવણી શરૂ

- પાટણ જિલ્લામાં ખેડૂતો ખરીફ પાકની વાવણીમાં જોડાયા, 3 હજાર હેક્ટરમાં કઠોળ, ઘાસચારાનું વાવેતર
પાટણ જિલ્લામાં પાટણ નાં ચાણસ્મા,હારીજ,સરસ્વતી, સિધ્ધપુર તાલુકાઓ ખેડૂતો એ વાવણી શરૂ કરી દીધી છે. જૂન મહિનાની મધ્યમાં આવેલા ‘બીપરજોય’ વાવાઝોડાએ અનેક વિસ્તારોમાં કહેર વર્તાવ્યો હતો. ત્યારે આ વાવાઝોડામાં પડેલો ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ખેડૂતો માટે લાભકારક સાબિત થઈ રહ્યો છે. પાટણ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોએ ખરીફ પાકોના વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે અને જિલ્લામાં અત્યાર સુધીમાં બે થી ત્રણ હજાર હેક્ટર વિસ્તારમાં વાવેતર પણ થઈ ગયું છે. પાટણ જિલ્લામાં 15 અને 16 જૂનના સમયગાળામાં આવેલા વાવાઝોડાના પગલે જિલ્લાના તમામ તાલુકાઓમાં વાવણી લાયક વરસાદ વરસ્યો હતો.
હાલમાં વરસાદ બાદ ખેતરોમાં વિવિધ પાકોના વાવેતર માટે યોગ્ય સમયગાળો હોય ખેડૂતો દ્વારા અડદ, મગ, જુવાર ઘાસચારો જેવા પાકોના વાવેતરના શ્રી ગણેશ કરી દીધા છે. જે અંતર્ગત જિલ્લામાં અત્યાર સુધીમાં બે થી ત્રણ હજાર હેક્ટર કરતા પણ વધુ વિસ્તારમાં ખેડૂતો દ્વારા ચોમાસુ પાકોના વાવેતર કરી દીધા છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, બીપરજોય વાવાઝોડા સમયે જિલ્લામાં આવેલા ભારે વરસાદ ખેડૂતો માટે વાવણી લાયક હોવાથી ખેતરોમાં વરાપ થતા જ ખેડૂતો દ્વારા ખરીફ પાકોની વાવણી શરૂ કરી દીધી છે.
પાટણ, ચાણસ્મા, હારીજ, સરસ્વતી અને સિદ્ધપુર તાલુકાઓમાં રેતાળ જમીન હોવાના કારણે પાણી ઝડપથી સોસાઈ જતા હોવાથી ખેડૂતોએ આ તાલુકાઓમાં વાવણી શરૂ કરી દીધી છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ વરાપ થતા ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરવામાં આવનાર છે. બીજી તરફ બીટી કપાસનું વાવેતર કરતાં ખેડૂતો માટે પણ આ વરસાદ લાભકારક સાબિત થઈ રહ્યો છે. જો વરસાદ ન આવ્યો હોત તો ખેડૂતોને મોંઘા ભાવના બોરના પાણીથી પિયત કરવી પડી હોત પરંતુ વાવાઝોડાના પગલે સારો એવો વરસાદ વરસતા ખેડૂતોને બીટી કપાસ માટે બે પાણી ઓછા જોશે તેમ ખેડૂતો દ્વારા જાણવા મળી રહ્યું છે. ત્યારે હાલમાં બાલીસણા પંથકના ખેડૂતો બીટી કપાસમાં નિંદામણની કામગીરીમાં જોતરાયા હોવાનું જોવા મળી રહ્યું છે.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)