રાજસ્થળી : પંચાયત ભવન, શાળામાં અત્યાધુનિક કોમ્યુટર લેબ સહિતના વિકાસકાર્યોનું મંત્રીશ્રી ના હસ્તે લોકાર્પણ

અમરેલી જિલ્લાના રાજસ્થળી ગામે પંચાયત ભવન, શાળામાં અત્યાધુનિક કોમ્યુટર લેબ સહિતના વિકાસકાર્યોનું કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાના હસ્તે લોકાર્પણ
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા જે નવા ભારતની વાત કહેવાઈ રહી છે તેનો બોલતો પુરાવો એટલે ગામડાની શાળામાં અત્યાધુનિક કોમ્યુટર લેબ સાથેનું શિક્ષણ – કેન્દ્રીય મંત્રીશ્રી
પરષોતમભાઈ રૂપાલા
નાયબ મુખ્યદંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની રાજસ્થળી ખાતે પ્રેરક ઉપસ્થિતિ: વિકસેલી નવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ
રુ.૧૮ લાખના ખર્ચે અત્યાધુનિક પંચાયત ભવન, પેવર બ્લોક, લોક ભાગીદારીથી કોમ્યુટર લેબ અને વોટરશેડ અંતર્ગત રુ.૯૦ હજારના ખર્ચે શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટ સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું
અમરેલી : રાજ્ય અને કેન્દ્ર સરકારની વિકાસયાત્રામાં છેવાડાના ગામડાંઓ સુધી પ્રાથમિક સુવિધાઓ માટેના કાર્યો પૂર્ણ થતાં અવિરત વિકાસ થઈ રહ્યો છે. અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના રાજસ્થળી ગામે તૈયાર થયેલા અત્યાધુનિક ગ્રામ પંચાયત ભવન સહિતના વિકાસ કાર્યોનું લોકાર્પણકેન્દ્રીય ફિશરીઝ, પશુપાલન, ડેરી મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાના હસ્તે નેશનલ કો-ઓપરેટીવ યુનિયન અને ઈફ્કોના ચેરમેનશ્રી, દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયું હતું. આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્યદંડશ્રી, કૌશિકભાઈ વેકરીયાએ પણ ઉપસ્થિત રહી ગામમાં વિકસેલી નવી સુવિધાઓનું નિરીક્ષણ કર્યુ હતુ અને તેમણે ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.
ગ્રામજનોની સુવિધા માટે રાજસ્થળીમાં રુ.૧૮ લાખના ખર્ચે અત્યાધુનિક પંચાયત ભવન, લોક ભાગીદારીથી કોમ્યુટર લેબ, અને વોટરશેડ અંતર્ગત રુ.૯૦ હજારના ખર્ચે શાળામાં વોટર ફિલ્ટર પ્લાન્ટ, પેવર બ્લોક સહિતના વિકાસ કાર્યોને લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રીશ્રીએ ગ્રામજનોને શુભેચ્છાઓ પાઠવી હતી. ગામના દાતાશ્રી મગનભાઈ સેંજલિયાના સહયોગથી આશરે રુ.૨૧ લાખના ખર્ચે, ૧૫માં નાણા પંચના અનુદાનમાંથી નવનિર્માણ પામેલા કોમ્યુનિટી હોલમાં લેપટોપ સાથેની સ્માર્ટ ક્લાસલેબ તૈયાર કરવામાં આવી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી પરષોતમભાઈ રૂપાલાએ જણાવ્યુ કે, આ પ્રકારની અત્યાધુનિક કોમ્યુટર લેબ અમરેલી જિલ્લામાં સંભવત: પ્રથમવાર નિર્માણ પામી છે જેનો લાભ વિદ્યાર્થીઓને મળશે. અગાઉના અને વર્તમાન સમયના શિક્ષણના અંતર વિશે કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યુ કે, ગામડાંમાં આ પ્રકારની કોમ્યુટર લેબ સાથેનું શિક્ષણ એ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જે નવા ભારતની વાત કહી રહ્યા છે તેનો બોલતો પૂરાવો છે.
આ કાર્યક્રમમાં અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, ગામના સરપંચશ્રી, ગણપતભાઈ સેંજલિયા તેમજ અધિકારીશ્રીઓ અને ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300