લરાજકોટ : નવા સેટેલાઈટ બસ સ્ટેન્ડના લોકાર્પણ સાથે મળી નવી ૧૦ બસોની કનેક્ટિવિટીની ભેટ.

લરાજકોટ શહેરમાં નવા સેટેલાઈટ બસ સ્ટેન્ડના લોકાર્પણ સાથે મળી નવી ૧૦ બસોની કનેક્ટિવિટીની ભેટ.
રાજકોટ : ના રોજ રાજકોટ શહેર ભાવનગર રોડ પર નવા સેટેલાઈટ બસ સ્ટેન્ડના લોકાર્પણ પ્રસંગે, શહેર-જિલ્લાના નાગરિકોને દ્વારકા, સોમનાથ અને અન્ય વિસ્તારો માટે નવી ૧૦ બસોની કનેક્ટિવિટીની ભેટ ગુજરાત સરકારે આપી છે. ગૃહ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ જાહેરાત કરતા કહ્યું હતું કે, નવી બસો જન્માષ્ટમીથી ચાલુ કરાશે. આ સાથે તેમણે રાજકોટથી હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે પણ ટૂંક સમયમાં જ બસ સેવા શરૂ કરવાની ખાતરી આપી હતી. એસ.ટી.બસના મુસાફરો માટે વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાવતા, રાજકોટ ભાવનગર રોડ પર નવનિર્મિત રાજકોટ સેટેલાઈટ એસ.ટી.બસ સ્ટેન્ડનું આજે રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયા તથા ગૃહ, વાહન-વ્યવહાર રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૃહ, વાહન વ્યવહાર રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યનું એક પણ ગામ એસ.ટી.બસની સુવિધાથી વંચિત ન રહી જાય, એવા સંકલ્પ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર કામ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે નાગરિકોની મુસાફરી સુગમ બનાવવા ગત ચાર માસમાં રાજ્યમાં નવી ૯૦૦ બસો શરૂ કરવામાં આવી છે. આ વર્ષમાં કુલ મળીને ૨૦૦૦ જેટલી બસો શરૂ કરવાનો લક્ષ્યાંક હોવાનું તેમણે જણાવ્યું હતું. રાજકોટને આજે વધુ એક એરપોર્ટ જેવા સ્વચ્છ, અદ્યતન બસ પોર્ટની ભેટ મળી છે, તેમ જણાવતા મંત્રી સંઘવીએ કહ્યું હતું કે રાજકોટથી આવેલી રજૂઆતોને ધ્યાનમાં રાખતા આજે અહીંથી નવી ૧૦ બસ સેવા શરૂ કરવાની જાહેરાત કરું છું. સોમનાથ, દ્વારકા તેમજ અન્ય નવા ૧૦ રૂટ પરની બસો જન્માષ્ટમીથી શરૂ થશે. આ સાથે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ-હિરાસર જવા માટે પણ મળેલી રજૂઆતોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ ફ્લાઈટના સમય મુજબ રાજકોટથી હિરાસરની બસો શરૂ કરાશે અને જરૂરિયાત પ્રમાણે તેમાં વધારો કરાશે. વિદ્યાર્થીઓના અભ્યાસ માટે સરકારની સંકલ્પબદ્ધતા દોહરાવતા તેમણે કહ્યું હતું, કુલ મળીને ૭૨,૨૯૭ વિદ્યાર્થીઓ રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી જીલ્લામાંથી રાજકોટ શહેરમાં અભ્યાસ માટે આવે છે. ગુજરાત સરકાર દ્વારા એસ.ટી.બસોમાં તેમને અભ્યાસ માટે નિઃશુલ્ક મુસાફરી ઉપલબ્ધ કરાવાઈ છે. તેમણે કહ્યું હતું કે, આ નવા સેટેલાઇટ બસ સ્ટેશનથી રોજ કુલ મળીને ૪૭૦ બસોના આવન-જાવનથી, વધુમાં વધુ નાગરિકો એસ.ટી.બસોની મુસાફરીનો લાભ લઈ શકશે. રક્ષાબંધન પર્વે ભાઈ-બહેન એકબીજાને રાખડી બાંધવા મુસાફરી કરી શકે તે માટે એસ.ટી.ના ડ્રાઈવર-કંડક્ટરોએ તહેવાર ભૂલીને ૨૪ કલાક ફરજ બજાવી હોવાની પ્રશંસા કરતાં તેમણે કહ્યું હતું કે, રક્ષાબંધને ૨૪ કલાકમાં ૨૩ લાખ લોકોનું પરિવહન એસ.ટી.એ કર્યું છે. આ સાથે તેમણે ગૃહવિભાગની પોલીસની ફરજ સાથે સામાજિક કામગીરીનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, રક્ષાબંધને પોલીસની શી ટીમ દ્વારા વિવિધ વૃદ્ધાશ્રમો તેમજ ઘરોમાં એકલા રહેતા વૃદ્ધો સુધી જઈને રાખડી બાંધીને તેમની સલામતીની ખાતરી આપી છે. આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ તથા સામાજીક ન્યાય અને અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયાએ બસ સ્ટેન્ડ સાથેના જુના સંસ્મરણો વાગોળતા કહ્યું હતું કે, અત્યારે એસ.ટી.ની મુસાફરી ખૂબ સુવિધાજનક બની છે, આજે લોકો ઘરે બેસીને પણ એપ મારફતે બસની ટિકિટ બુક કરી શકે છે, ટાઇમ ટેબલ જાણી શકે છે. આજે એર કંડીશનરવાળી નવી બસો પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું હતું કે, આ સેટેલાઈટ બસ સ્ટેન્ડમાં મહિલાઓની સુવિધાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીં ધાત્રી માતાઓ માટે ફીડીંગ રૂમ, બેડ તથા શિશુઓ માટે ઘોડિયાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. વર્તમાન સરકાર બસ સ્ટેન્ડને એરપોર્ટ સમકક્ષ તમામ સુવિધાયુક્ત બનાવવા પ્રયત્નશીલ છે. તેમણે સમગ્ર ગુજરાતની જનતાને અપીલ કરતાં કહ્યું હતું કે, તમામ બસોમાં દિવ્યાંગો માટે ચાર સીટ અને મહિલાઓ માટે પણ ચાર સીટ અનામત રાખવામાં આવે છે. બસમાં જ્યારે કોઈ દિવ્યાંગ કે મહિલા, બાળક સાથે માતા આવે ત્યારે તેને સીટ ખાલી કરી આપવી જોઈએ. કાર્યક્રમ પૂર્વે એસ.ટી. નિગમના સચિવ રવિ નિર્મલે મંત્રીઓને પુષ્પગુચ્છથી આવકાર્યા હતા. રાજકોટ એસ.ટી.ના વિભાનીય નિયામક જે.બી.કરોતરાએ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાજકોટના મેયર ડૉ.પ્રદીપભાઈ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, અગ્રણી ડૉ.ભરતભાઈ બોઘરા, અગ્રણી મુકેશ દોશી, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ તેમજ અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નોંધનીય છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના રાજકોટ વિભાગ દ્વારા, રાજકોટમાં ભાવનગર રોડ પર અમુલ સર્કલ ખાતે નવું સેટેલાઇટ બસ સ્ટેશન શરૂ કરાયું છે. આ બસ સ્ટેન્ડ રૂપિયા ૪.૪૭ કરોડના ખર્ચે, ૧૯,૨૦૦થી વધુ ચોરસ મીટર વિસ્તારમાં નિર્માણ પામ્યું છે. અહીં ૧૦ પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટિંગ હોલ, ઓફિસ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્ટિન, વોટર રૂમ, પાર્સલ રૂમ, શોપ, ઇલેક્ટ્રીક અને જનરેટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, શૌચાલય અને ખાસ દિવ્યાંગો માટે સ્લોપીંગ રેમ્પ અને ખાસ પ્રકારના શૌચાલય સહિતની સુવિધાઓ નિર્મિત કરવામાં આવી છે. ભાવનગર રોડ પર સુવિધાસજજ આ બસ સ્ટેશનથી આસપાસના વિસ્તારોમાં વસતા લોકોને બસ સેવા માટે શહેરમાં લાંબુ અંતર કાપવા અને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300