ચુડા સોરઠ ગામે “મારુ ગામ અયોધ્યા ધામ” અભિયાન અંતર્ગત બેઠક

જુનાગઢ જિલ્લાનું ભેસાણ તાલુકાના ચુડા સોરઠ ગામે આજરોજ મારુ ગામ અયોધ્યા ધામ અભિયાન અંતર્ગત ચુડા મંડળની બેઠક રાખવામાં આવી હતી. ભેસાણ તાલુકાના ચુડા ગામે આજે સાંજે 08:30 કલાકે શ્રીમતી એ.બી.યુ .દોશી હાઇસ્કુલ ખાતે મારુ ગામ અયોધ્યા ધામ અભિયાન અંતર્ગત ચુડા ગામ અને આજુબાજુના ગામના સેવાભાવી લોકો જેમાં ગૌશાળા ના સંચાલકો અને સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ગરબી મંડળ ના આગેવાનો વેપારી આગેવાનો અને રામ ભક્તો બજરંગ દળ ના આગેવાનો હરેક મંદિરોના પૂજારીઓ તથા સોશિયલ વર્કરો ની બેઠક યોજવામાં આવી હતી. આવનારા દિવસોમાં અયોધ્યા ખાતે નવનિર્મિત શ્રી રામજી મંદિરની અંદર રામલલા ની પુરા પરિવાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે.
ભારતના હરેક ગામડાઓ અને શહેરોમાં ઉત્સવ મનાવવામાં આવશે અને અયોધ્યાથી આવેલ અક્ષત હરેક ગામડાઓમાં ઘરે ઘરે આપવામાં આવશે અને હર એક રામજી મંદિરે કળશ પધરાવવામાં આવશે. આ આયોજન માટે જિલ્લામાંથી પધારેલ સંઘના આગેવાનો ધનસુખભાઈ મોવલીયા અને ઘનશ્યામભાઈ વઘાસિયા સાહેબ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને ચુડા સ્ટેટ દરબાર ભરત વાળા અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનારા દિવસોમાં ઘરે ઘરે અક્ષત આપવા અને પત્રિકાઓ આપવા માટેની કામની જવાબદારી માટે સ્થાનિક સેવાભાવી કાર્યકરો સાથે ચર્ચા કરી હતી જેમાં આજુબાજુના ગામમાંથી પધારેલ તમામ કાર્યકરોએ સહમતિ દર્શાવી આવતી 22 જાન્યુઆરીએ મારુ ગામ અયોધ્યા ધામ બને એવી ખાતરી આપી હતી.
રિપોર્ટ : પંકજ વેગડા (ભેસાણ)