વિરપુર જલારામ ધામમાં રામમંદીર પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી…

- ગાગર જેવડા વિરપુરમાં સાગર સમાન માનવ મહેરામણ ઉમટી પડ્યું
- દિવાળી જેવો અલૌકિક માહોલ, વિરપુર ગામ જાણે “અયોધ્યા ધામ”
વિરપુર : અયોધ્યામાં સરયુ નદીના કાંઠે ભવ્યાતિભવ્ય રામ મંદિરમાં ભગવાન શ્રી રામ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે દેશભરમાં અઢી મહિના બાદ જાણે બીજી દિવાળીની ઉજવણી થઈ રહી હોય તેવો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રનું સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુર જલારામ ધામ જાણે બીજું અયોધ્યા બની ગયું હોય તેવો અલૌકિક અને આનંદસભર માહોલ ની અનુભૂતિ થઈ હતી. ભુલકાઓથી માંડીને વયોવૃધ્ધ સુધીના લોકોના હૈયે અને હોઠે માત્ર “જય શ્રી રામ” અને “વિરપુર ગામ એજ અયોધ્યા ધામ” ના નાદ સાથે વિરપુરની શેરીઓ અને ગલીઓ ગગન ભેદી નાદ થી ગુંજી ઉઠી હતી.
આજે ૨૨ મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ભગવાન રામલ્લા બપોરે ૧૨ કલાક ૨૯ મિનિટ અને ૮ સેકન્ડ ના સમય દરમિયાન અયોધ્યામાં મુર્તિ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર ખાતે આ શુભ અને ઐતિહાસિક ઘડીના સાક્ષી બનવા માટે વિરપુર જલારામ સ્થિત પ્રેરણા સ્કુલ ખાતે ભગવાન શ્રી રામના પુજન અર્ચન અને સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ વિશાળ રેલીનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ભગવાન શ્રી રામના જીવન આધારીત વિવિધ કૃતિઓ નાના ભુલકાઓ દ્વારા રજુ કરવામાં આવી હતી. વિશાળ રેલીમાં વિવિધ સમાજ દ્વારા અલગ અલગ સુશોભિત કૃતિઓ દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વિરપુર ગામમાં દરેક શેરીએ અને મુખ્ય માર્ગો પર ભગવાન શ્રી રામની રંગોળી અને દરેક ઘરમાં આસોપાલવના તોરણ અને દરેક ઘરો પર ભગવાન શ્રી રામની ધજા ફરકાવી રામમય શણગાર કરવામાં આવ્યો હતો. “સવાર થી શોભાયાત્રા,મહાપ્રસાદ, સાથે પુજ્ય જલારામ બાપા ના મંદીર ખાતે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.” ભગવાન શ્રી રામની આ વિશાળ રેલી વિરપુરના મુખ્યો માર્ગો પર ફરી હતી ત્યારે આ રેલીના પ્રસ્થાન દરમિયાન રાજકીય અને વિવિધ સમાજના સામાજીક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
“જલારામ બાપા પરિવારના ભરતભાઈ ચાંદ્રાણીના આહવાનને વિરપુરના પ્રજાજનોએ હરભેર વધાવી લીધું હતું”. ભવ્ય અને વિશાળ રેલીમાં રાજ્ય સરકારના પુર્વ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, જસુબેન કોરાટ,ગોરધન ધામેલીયા, જનક ડોબરીયા, દિનેશ વઘાસીયા, જગદીશ સરવૈયા, વિરપુર ગામના યુવા અને ઉર્જાવાન સરપંચ રમેશભાઈ સરવૈયા, સંજય ઠુંગા સહિતના નામી અનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ભવ્ય અને ઐતિહાસિક ઉજવણીના આયોજક સુભાષ જોશી,સંજય ઠુંગા,પ્રફુલ વઘાસીયા, રવિ ગોટેચા તેમજ વિરપુર ગામના સેવાભાવી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.
અહેવાલ : દેવરાજ રાઠોડ (વિરપુર)