રાજ્યપાલશ્રીનું પ્રવચન, સરકારની શ્રેષ્ઠ કામગીરીનું પ્રતિબિંબ: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
રાજ્યપાલશ્રીનું પ્રવચન, સરકારની શ્રેષ્ઠ કામગીરીનું પ્રતિબિંબ: ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી
અમે ‘ટેમ્પલ’ પણ બનાવ્યું છે અને ભારત દેશને ‘વિકાસનું સેમ્પલ’ પણ બનાવ્યું છે
વડાપ્રધાનશ્રીએ માત્ર રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા નહીં, પરંતુ ભારતની અસ્મિતાની પુનઃ પ્રતિષ્ઠા કરી છે
જય શ્રી રામના નારા સાથે રામમય બનેલા વિધાનસભા ગૃહના કારણે આજના દિવસને ઐતિહાસિક ગણાવતા મંત્રીશ્રી
દિલ્હી ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં કચ્છની સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા ટેબ્લોને શ્રેષ્ઠ ટેબ્લોની યાદીમાં સ્થાન મળ્યું જે આપણા સૌ માટે ગૌરવની વાત
સમાજમાં ભાગલા પાડવાનું કૃત્ય કરનાર મૌલાનાને મુંબઈ જઈને હજારો લોકોની વચ્ચેથી એરેસ્ટ કરીને લાવનાર ગુજરાત પોલીસને અભિનંદન પાઠવતા મંત્રીશ્રી
રાજ્યપાલશ્રીના સંબોધન માટે તેમનો આભાર વ્યક્ત કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યપાલશ્રીનું પ્રવચન રાજ્ય સરકારની શ્રેષ્ઠ કામગીરીનું પ્રતિબિંબ છે. મંત્રીશ્રીએ કહ્યું કે, અમે ટેમ્પલ પણ બનાવ્યું છે અને ભારત દેશને વિકાસનું સેમ્પલ પણ બનાવ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અયોધ્યામાં માત્ર રામલલ્લાની મૂર્તિની પ્રતિષ્ઠા નથી કરી, પરંતુ ભારતની અસ્મિતાની પુનઃ પ્રતિષ્ઠા કરી છે. જય શ્રી રામના નારા સાથે ગુજરાત વિધાનસભા ગૃહ આજે રામમય બન્યું હોવાથી આજના દિવસને મંત્રીશ્રીએ ઐતિહાસિક ગણાવ્યો છે. એટલું જ નહિ, સમાજમાં ભાગલા પાડવાનું કૃત્ય કરનાર મૌલાનાને મુંબઈ જઈને હજારો લોકોની વચ્ચેથી એરેસ્ટ કરીને લાવનાર ગુજરાત પોલીસને મંત્રીશ્રીએ ગૃહમાં અભિનંદન પાઠવ્યા હતાં.
તેમણે કહ્યું કે, રાજ્યપાલશ્રીએ એમના અભિભાષણમાં સમગ્ર ગુજરાતની જનતા માટે ‘સર્વજન સુખાય – સર્વજન હિતાય’નાં સૂત્રને ચરિતાર્થ કરતા, વિકાસનાં રાજમાર્ગ પર નવા મુકામો સ્થાપિત કરવા અંગે માર્ગદર્શન આપ્યું છે. તેમણે ગુજરાતના સર્વાંગી વિકાસની એક આગવી, નક્કર અને વાસ્તવિક બ્લ્યુ પ્રિન્ટ સાથે ગુજરાતના વિકાસનો નૂતન આલેખ રજૂ કર્યો છે.
રાજ્ય મંત્રી શ્રી સંઘવીએ ઉમેર્યું કે, અમૃતકાળનો આ સમય ભારતનાં નવજાગરણનો સમય છે. નવા ભારતમાં આજે નૂતન અને પુરાતનનો સમન્વય થઇ રહ્યો છે. આજનું ભારત ફીઝીકલ, ડીજીટલ અને સ્પીરીચ્યુઅલનો ત્રિવેણી સંગમ છે. આજે આપણી પાસે રામાયણ અને મહાભારતનું અધ્યાત્મ છે તો સાથે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ પણ છે. ગુજરાત આધુનિક ટેક્નોલોજીની ઉડાન ભરવાની સાથે-સાથે તેની સંસ્કૃતિ અને આસ્થાને આજે પણ ભૂલ્યું નથી.
અમે ટેમ્પલ પણ બનાવ્યું છે અને દેશને વિકાસનું સેમ્પલ પણ બનાવ્યું છે, તેમ કહેતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ૫૦૦ વર્ષની પ્રતીક્ષા પછી મોદી સરકાર દ્વારા આજે ભગવાન રામલલ્લાને મંદિરમાં બિરાજવામાં આવ્યા છે. સાથે-સાથે ભગવાન વિશ્વનાથ મંદિરનો જીર્ણોદ્ધાર, કાશી કોરિડોર, ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર, બદ્રી અને કેદારનાથના જીર્ણોદ્ધાર અને પાવાગઢના ડુંગર પર બિરાજમાન મા મહાકાળીના મંદિરે ૫૦૦ વર્ષ પછી ધજા લહેરાવવાનું કામ અમારી સરકારે કર્યું છે.
તેમણે દેશની વિકાસ ગાથા રજૂ કરતાં કહ્યું કે, અમારી સરકારે છેલ્લા નવ વર્ષમાં ૫૦૦ થી વધુ નવી મેડિકલ કોલેજો શરુ કરી, AIIMSની સંખ્યા વધારીને ૨૫ કરી, ૭ IIT, ૧૬ IIIT, ૩૯૦ યુનિવર્સિટીઓનું નિર્માણ અમારી સરકારે કર્યું છે. આટલું જ નહીં, છેલ્લા નવ વર્ષમાં દેશમાં મેડિકલની સીટ્સ ડબલ થઇ, નેશનલ હાઈવેની લંબાઈ ૯૦ હજાર કિલોમીટરથી વધીને ૧.૪૬ લાખ કિલોમીટર થઈ, ચાર માર્ગીય રાષ્ટ્રીય ધોરીમાર્ગની લંબાઈ અઢી ગણી વધી, હાઇ-સ્પીડ કોરિડોરની લંબાઈ ૫૦૦ કિલોમીટરથી વધારીને ૪ હજાર કિલોમીટર કરાઈ છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, અમારી સરકારના ૯ વર્ષ દરમિયાન દેશમાં એરપોર્ટની સંખ્યા ૭૪ થી બમણી થઈને ૧૪૯ થઈ, ૧૦ હજાર કિલોમીટરની ગેસ પાઈપલાઈન નાખવામાં આવી, ૪.૧૦ કરોડ ગરીબ પરિવારોને ઘરના ઘર મળ્યા, ૧૧ કરોડ ગ્રામીણ પરિવારો સુધી પ્રથમ વખત નલ સે જલ પહોંચ્યું, ૧૦ કરોડ ઉજ્જવલા ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે.
ડેમોગ્રાફી, ડેમોક્રેસી અને ડાઇવર્સિટીની ત્રિપુટી ભારતનાં દરેક સ્વપ્નને સાકાર કરવાની ક્ષમતા ધરાવે છે. આજે ચંદ્રયાન અને ગગનયાન દ્વારા ભારતે અવકાશમાં પણ તિરંગો લહેરાવ્યો છે. આજે દુનિયાનો સૌથી ઉંચો રેલ બ્રિજ, વિશ્વનો સૌથી ઉંચો વાહન માર્ગ, વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને વિશ્વનો સૌથી મોટો સોલાર વિન્ડ પાર્ક ભારતમાં નિર્માણ પામ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું કે, ભારત આજે વિશ્વ ગુરુ બનવા તરફ આગળ વધી રહ્યું છે. યુક્રેન-રસિયા અને ઇઝરાયેલ- ગાઝાની યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિ વચ્ચેથી તમામ ભારતીયોને તિરંગાની છત્રછાયા નીચે સુરક્ષિત રીતે ભારત લાવવાનું કામ આપણી સરકારે કર્યું છે. માત્ર ભારત જ નહિ, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પણ જ્યારે તિરંગો જોતા હતા ત્યારે તેમના મનમાં આશાનું કિરણ ઉગ્યું અને આપણે તેમને બચાવીને સુરક્ષિત સ્થાને પહોંચાડી દીધા.
આ જ ભારતની સરકાર પોતાના રાષ્ટ્રની અખંડીતતા અને સાર્વભોમ માટે પાકિસ્તાન હોય કે ચીન લાલઆંખ કરતાં જરાય ખચકાતી નથી. દેશની અખંડિતતા અને સુરક્ષા ક્ષેત્રે આજે ભારત બીજા દેશો માટે દ્રષ્ટાંતરૂપ છે. આજે ભારત સર્જીકલ સ્ટ્રાઈક કરીને ઈંટનો જવાબ પથ્થરથી આપે છે. એર સ્ટ્રાઈક દ્વારા આપણે સંદેશ આપ્યો છે કે, ભારતની ભૂમિ પર આતંકવાદને હવે કોઇ પણ સંજોગોમાં સાંખી લેવામાં આવશે નહીં, તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું.
ગૃહરાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, તાજેતરમાં જ ભારતે કરેલી જી-૨૦ સમીટની યજમાની માત્ર એક ઈવેન્ટ નહોતી પરંતુ ભારતનું વિશ્વગુરુ બનવાની દિશામાં એક વિરાટ પગલું હતું. આ જી-૨૦ સમિટમાં વિશ્વના તમામ વિકસિત દેશના નેતાઓએ એકસૂરે એક જ વાત કહી છે કે, શ્રી નરેન્દ્ર મોદીએ ભારતની ઉજ્જવળ આજ અને સ્વર્ણિમ આવતીકાલ છે અને આવનાર સમય ભારતનો છે. વૈશ્વિક કક્ષાએ ભારતની આ સ્વીકૃતિ એ પ્રત્યેક ભારતીય માટે વિશેષ કરીને ગુજરાતીઓ માટે ગૌરવનો વિષય છે.
આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં યોજાયેલ તમામ જી-૨૦ સમિટમાં ગુજરાતની સાંસ્કૃતિક અસ્મિતા અને મીઠો આવકાર આપવાની પરંપરાના દર્શન થયા છે. ગુજરાતમાં આવનાર પ્રત્યેક મહાનુભાવે ગુજરાતના પ્રેમ અને આતિથ્યસત્કારની અનુભૂતિ કરી છે. દરેક મહેમાનને મોંઘા ભેટ ઉપહારોની જગ્યાએ આપણે તેમને ગુજરાતના હસ્તકલાથી તૈયાર થયેલી ભેટો આપવામાં આવી હતી. આ માટે આપણે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વવાળી સરકારને અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આપણા માટે ગર્વ ની વાત છે કે દિલ્હી ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં આપણા કચ્છની સંસ્કૃતિની ઝાંખી તૈયાર કરાવવામાં આવી હતી, જેને શ્રેષ્ઠ ટેબ્લોની યાદીમાં સ્થાન મળ્યું.
તેમણે ઉમેર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ દેશના છેવાડાના માનવી સુધી પહોંચી છે. અમારી સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના, ‘નલ સે જલ’ યોજના, ઉજ્જ્વલા યોજના, હર ઘર શૌચાલય જેવી વિવિધ પ્રજાલક્ષી યોજનાઓથી ગરીબ, વંચિત અને શોષિત લોકોના જીવનમાં આમૂલ પરિવર્તન લાવવામાં સફળ રહી છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300