કોંગ્રેસવાળાઓનું મન ઉંદરનું અને પગ કીડીના છેઃ શિવસેના

મુંબઇ,
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે. શિવસેનાએ લખ્યું કે કોંગ્રેસવાળાઓનું શરીર હાથીનું ભલે હોય, પરંતુ તેમનુ મન ઉંદરનું છે અને પગ કીડીના છે. રાહુલ ગાંધીએ એક સાહસિક પગલું ભર્યું છે. તેમનું સન્માન કરવાના બદલે કોંગ્રેસીઓ તેના પગમાં પડીને તેને મનાવી રહ્યા છે. શિવસેનાએ લખ્યું કે મોદી કે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન વિરુદ્ધ જારદાર લડાઇ તો છોડો, થોડું ઘણું લડવાનો પ્રયાસ કોંગ્રેસ પાર્ટી તરફથી થતો લાગ્યો નથી. તેનું કારણ એ છે કે કોંગ્રેસીઓની પંગુ માનસિકતા છે જેથી લોકોએ કોંગ્રેસને પગ તળિયે કચડયા છે. કોંગ્રેસવાળા ગાંધી પરિવારની કૃપાથી ઐયાશ થઇ ગયા હતા, પરંતુ તેનો મુફતખોર પણ છે. દેશની રાજકીય પરિસ્થિતિનો તેમને ખ્યાલ નથી. સામનામાં આગળ લખાયું છે કે કર્ણાટકમાં ભાજપે તેમની પાર્ટીને ખોખલી કરી દીધી છે. ત્યાંની જેડીએસ-કોંગ્રેસ સરકાર તૂટવાની અણી પર છે, પરંતુ તે પાર્ટીનો એક પણ વફાદાર પોતાની પાર્ટીની પ્રતિષ્ઠાને બચાવવા માટે દોડધામ કરતો દેખાતો નથી. બધા લોકો માતમ મનાવવા રાહુલ ગાંધીના દ્વારે ઊભા છે. લેખમાં આગળ એમ પણ લખ્યું છે કે ચારેય રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે તેમાં પાર્ટીની ભૂમિકા શું હશે? ચૂંટણી કેવી રીતે લડાશે, શું કરવું પડશે તેના પર કોઇ પ્રકારની ચર્ચા નથી.