અંકલેશ્વર ક્ષિપ્રા ગણેશ મંદિરે ગુરુપૂર્ણિમા નિમિત્તે 2500 તુલસી છોડો નું વિતરણ

અંકલેશ્વર ના અતિ પૌરાણિક અને પવિત્ર તીર્થ સ્થળ રામકુંડ ખાતે આવેલ ભારત ના નવમા અને ગુજરાત ના પ્રથમ ક્ષિપ્રા મુદ્રા ધરાવતા ક્ષિપ્રા ગણેશ મંદિર અને નર્મદા પુરાણમાં જેનો ઉલ્લેખ છે તેવા માંડવ્યેશ્વર મહાદેવ મંદિર, રામ જાનકી મંદિર અને કાલ ભૈરવ મંદિર ખાતે તા.16 મી જુલાઇ ને મંગળવારે ગુરુ પૂર્ણિમાના
પાવન અવસરે 2500 જેટલા તુલસી ના છોડ નું વિતરણ અંકલેશ્વર સામાજિક વનીકરણ રેન્જ, અંકલેશ્વર નગરપાલિકાના સંયુક્ત તથા ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિના મૂલ્યે પ્રસાદી રૂપે કરવામા આવ્યું. લોકોમાં પર્યાવરણની જાળવણી પ્રત્યે જાગૃતતા આવે અને વધુમાં વધુ વૃક્ષો વાવે તે માટે હંમેશા પ્રયત્નો થતા રહે છે. ત્યારે આ નવા અભિગમ થકી લોકોમાં જાગૃતતા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ગત વર્ષે 1500 જેટલા તુલસીના રોપનું વિતરણ કરાયું હતું આ વર્ષે 2500 જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અંકલેશ્વરના પ્રાંત અધિકારી રમેશ ભગોરા, અંકલેશ્વર નગરપાલીકા પ્રમુખ દક્ષાબેન શાહ, કારોબારી ચેરમેન ચેતન ગોળવાલા, પૂર્વ પ્રમુખ પુષ્પા મકવાણા, જીગ્નેશ અંદડીયા, જનક શાહ, ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્ર શ્રોફ, હરીશ જોષી, વન વિભાગના મહિપાલસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.