ઓપ્પોને ટીમ ઈન્ડિયાની જર્સી ‘મોંઘી’ પડી, હવે બાયજૂસનો લોગો દેખાશે

ન્યુ દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમની જર્સી પર સપ્ટેમ્બરથી નવી બ્રાન્ડનો લોગો જાવા મળશે. ચીનની મોબાઈલ બનાવતી કંપની ઓપ્પોના બદલે હવે બેંગલોરની એજ્યુકેશન ટેકનોલોજી અને ઓન-લાઈન શિક્ષણ આપતી કંપની બાયજૂનો લોગો જાવા મળશે. ઓપ્પોએ માર્ચ ૨૦૧૭માં રૂપિયા ૧,૦૭૯ કરોડની જંગી રકમ સાથે પાંચ વર્ષ સુધી ભારતીય ટીમના જર્સી રાઈટ્સ ખરીદ્યા હતા. એક અહેવાલ પ્રમાણે ઓપ્પોએ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથેનો કરાર અધવચ્ચે જ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે તેમણે ૨૦૧૭માં રાઈટ્સ ખરીદ્યા હતા તે ઘણા વધારે અને તેને સતત જાળવી રાખવું મુશ્કેલ છે. આ બાબત બે સપ્તાહ અગાઉ જ નક્કી થઈ ગઈ હતી અને હવે ભારતીય ટીમની જર્સી પર વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ સુધી જ ઓપ્પોનો લોગો જાવા મળશે. ત્યારબાદ સપ્ટેમ્બરમાં સાઉથ આફ્રિકન ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે અને ત્યારે ટીમની જર્સી પર બાયજૂસનો લોકો જાવા મળશે, તેમ સૂત્રોએ જણાવ્યું છે. બીસીસીઆઈને બાયજૂસ તરફથી એટલી જ રકમ મળશે અને ટેકનિકલી કરારના સમગ્ર સમય દરમિયાન બોર્ડને કોઈ નુકસાન નહીં જાય. આ કરાર ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી જારી રહેશે. બાયજૂસની સ્થાપના કેરળના એક ઉદ્યોગ સાહસિક બાયજૂ રવિન્દ્રને કરી હતી. હાલમાં કંપનીનુ મૂલ્ય ૩૮,૦૦૦ કરોડ રૂપિયા થાય છે. થિન્ક એન્ડ લર્ન પ્રાઈવેટ લિમિટેડ એ બાયજૂસની પેરેન્ટ કંપની છે અને તેણે ૨૦૧૩માં ફંડ મેળવીને કંપનીની સ્થાપના કરી હતી. વર્તમાન નાણાકિય વર્ષમાં માનવામાં આવી રહ્યું છે કે કંપનીએ વૈશ્વિક રોકાણકારો પાસેથી ૭૫૦ મિલિયન ડોલરનું ફંડ મેળવ્યું છે.