આત્મન ફાઉન્ડેશન દ્રારા વરસાદી માહોલમાં બાળકોને શિક્ષણ સામગ્રી ભેટ અપાઈ

આત્મન ફાઉન્ડેશન દ્રારા એક સરકારી શાળાઓના બાળકોને પ્રોત્સાહિત કરવાનાં ભાગરૂપે અભિયાનની જેમ શૈક્ષણિક સામગ્રીનું વિતરણ કાર્ય કરવામાં આવી રહ્યું છે. સંસ્થા દ્રારા તાજેતરમાં ગાંધીનગર નજીકના ગામ લવારપુરની ૧૨૧ વર્ષ જૂની સરકારી પ્રાથમિક શાળાની મુલાકાત લઈ ધોરણ ૧ થી ૮ નાં ૧૬૮ જેટલાં બાળકોને નોટબુક, ચોપડા, પેન, પેન્સિલ, રબર, શાર્પનર વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના સહયોગી પ્રજ્ઞાબેન પટેલ, અશોકભાઈ ત્રિવેદી અને મિલન સિંધવ દ્રારા બાળકો સાથે સામાન્ય જ્ઞાન અંગેની રસપ્રદ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. બાળકોએ ખૂબ રસથી જવાબો આપ્યાં હતાં. શાળાના આચાર્ય નીતિનભાઈ પટેલ અને શિક્ષકો કૈલાસબેન પટેલ, હંસાબેન પટેલ, જગૃતિબેન સુથાર વગેરેએ સરસ સહયોગ આપ્યો હતો. રવિવારની સવારે સંસ્થા તરફથી સેક્ટર – ૧૩ ની શ્રમજીવી વસાહતનાં બાળકો સાથે સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોને સ્લીપર, શૈક્ષણિક સામગ્રી તથા બિસ્કીટ્નું વિતરણ કરવામાં આવ્યું હતું. એચ. બી. વરિયા અને પ્રજ્ઞાબેન પટેલે બાળકોને વિવિધ મહાનુભાવોના જીવનની પ્રેરક વાતો કરી નિયમિત શાળાએ જવા, રોજ લેશન કરવા, સારી ટેવો કેળવવા, જીવનમાં આગળ વધવા ખૂબ મહેનતથી અભ્યાસ કરવા શીખ આપી હતી. આ પ્રસંગે દિવ્યાબેન વરિયા, સવિતાબેન માછી અને કપીલાબેન માછી, જડીબેન વગેરે વિતરણમાં જોડાયા હતાં.