માનસિક અસ્થિર અજાણી યુવતીને માનવ સેવા ટ્રસ્ટમાં સુરક્ષિત આશરો અપાવતી ૧૮૧ અભયમ

યુવતી અને તેના પરિવાર અંગે કોઈ જાણકારી મળે તો ૧૮૧ અભયમ પર જાણ કરવા અપીલ કરાઈ
૧૮૧ અભયમ હેલ્પલાઇન સુરતના કામરેજ ખાતે ભૂલી પડેલી માનસિક અસ્થિર યુવતીને ત્વરિત મદદ પહોંચાડી સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. આ અજાણી યુવતીના પરિવારજનો ન મળે ત્યાં સુધી સુરતની ‘માનવ સેવા ટ્રસ્ટ’ સંસ્થામાં દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. બનાવની વિગત એવી છે કે કામરેજથી એક વ્યક્તિએ ૧૮૧ અભયમમાં કોલ કરી જણાવ્યું કે, એક અજાણી યુવતી ઘણા સમયથી અહીં ગુમસુમ બેઠી છે. ચહેરા પરથી ભયગ્રસ્ત હોવાનું જણાઇ આવે છે, જેથી મદદ કરવાં અપીલ કરી હતી. અભયમ ટીમ તાત્કાલિક કામરેજ પહોંચી હતી, અને ૨૫ વર્ષની આસપાસની જણાતી આ યુવતી માનસિક રીતે અસ્થિર હોય એવું ધ્યાનમાં આવતાં અભયમના સ્ટાફ દ્વારા ચા-બિસ્કીટ આપી તેની સાથે આત્મીયતા કેળવવાની શરૂઆત કરી હતી.
‘તમારા મમ્મી-પપ્પા ક્યાં રહે છે?’ એવા પ્રશ્ન સાથે જવાબ મેળવવાના પ્રયાસ કર્યા હતા. પરંતુ યુવતીએ કોઈ જવાબ આપ્યા ન હતાં. ઘણી મહેનત કરવાં છતાં કોઈ વિગત ન આપતી હોવાથી અભયમ દ્વારા યુવતીને માનસિક અસ્વસ્થ સ્ત્રી-પુરૂષોને સાચવતી અને સારવાર કરતી ગોથાણમાં આવેલ સંસ્થા ‘માનવ સેવા ટ્રસ્ટ’ના આશ્રમમાં સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. અભયમ અને કામરેજ પોલિસ દ્વારા અજાણી યુવતીના પરિવારની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જો કોઈને નીચેની તસ્વીરવાળી યુવતી અને તેના પરિવાર અંગે કોઈ જાણકારી મળે તો ૧૮૧ અભયમ હેલ્પલાઇન અથવા સ્થાનિક પોલિસ કે ‘માનવ સેવા ટ્રસ્ટ’ નો સંપર્ક કરવા વિનંતિ છે.