જન્માષ્ટમીનાં તહેવારો પર મુંબઈ સહિતની ૧૮ ટ્રેનોમાં વધારાના કોચ લગાડાશે

રાજકોટ,
તહેવારોની રજામાં ફરવા જતા લોકો ટ્રેનની આરામદાયક મુસાફરી વધુ પસંદ કરતા હોય છે. જેને કારણે ટ્રેનોમાં મુસાફરોની ભારે ભીડ જાવા મળે છે. તહેવારોની રજાને પગલે જુદી જુદી ટ્રેનોમાં વેઇટિંગ લિસ્ટ પણ લાંબું લચક થતું હોય છે. ત્યારે ઓગસ્ટ મહિનાનાં તહેવારોને ધ્યાને રાખી મુસાફરો સરળતાથી યાત્રા કરી શકે અને વેઇટિંગ લિસ્ટ લાંબું ન થાય તે માટે રાજકોટ રેલવે જંકશનથી પસાર થતી જુદી જુદી ૧૦ ટ્રેનમાં વધારાનો કોચ લગાડવાનો નિર્ણય રાજકોટ રેલવે ડિવિઝને કર્યો છે. આ સાથે જ ભાવનગર ડિવિઝનની ૮ જાડી ટ્રેનોમાં વધારાના કોચ લગાડવાનો નિર્ણય લેવાયો છે. આ વધારાનાં કોચ ઓગસ્ટની પહેલી તારીખથી સપ્ટેમ્બર મહિનાની બીજી તારીખ સુધી એમ એક મહિના માટે અપ-ડાઉન ટ્રેનોમાં કાર્યરત રહેશે.
ભાવનગર-કોચ્ચુવેલી એક્સ્પ્રેમાં તા. ૬ ઓગસ્ટથી ૨૭ ઓગસ્ટ દરમ્યાન, કોચ્ચુવેલી-ભાવનગર ટ્રેનમાં તા.૮થી ૨૯ ઓગસ્ટમાં વધારાના ૧-૧ એસી કોચ લાગશે. ભાવનગર બાન્દ્રા એક્સ્પ્રેસ ટ્રેનમાં તા.૧થી ૩૧ ઓગસ્ટ દરમ્યાન, બાન્દ્રા ટ્રેનમાં તા.૪ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર દરમ્યાન વધારાના એક એક એ.સી.કોચ લાગશે. આ ઉપરાંત ડિવિજનની પોરબંદર-કોચ્ચુવેલી, પોરબંદર દિલ્હી, પોરબંદર-સંતરાગાછી, પોરબંદર મુઝફ્ફરપુર, પોરબંદર હાવડા અને પોરબંદર સિકંદરાબાદ ટ્રેનમાં પણ ઓગસ્ટ દરમ્યાન વધારાના એસી કોચ લાગશે.