પાણી સાથે તણાઈ આવેલી જળકુંભી આફત બની

સુરત,
સુરત વિયરના ઉપવરવાસમાં પડેલા વરસાદના કારણે વિયર કમ કોઝવે ઓવર ફ્લો થતાં પાણીની સમસ્યાનું સંકટ દુર થયું છે પરંતુ જળકુંભીના કારણે વોટર વર્કસ ખોટકાતા સુરતીઓએ પાણી કાપ સહન કરવો પડી રહ્યો છે. મોડી રાત્રીથી સુરત મ્યુનિ.ના સરથાણા- કતારગામ અને વાલક ઈન્ટેક વેલમાં મોટા પ્રમાણમાં જળકુંભી ફસાતા વોટર વર્કસ બંધ કરવા પડયાં હતા. જેના કારણે રાંદેર ઝોન સિવાય મોટા ભાગના વિસ્તારમાં પાણી કાપ મુકવો પડયો છે. સુરત મ્યુનિ.ને અત્યાર સુધી તાપી નદી પર બનાવવામા આવેલા કોઝવેમાં પાણીની સપાટી હોવાથી પાણી કાપ આપવો પડતો હતો. પરંતુ બે દિવસથી વિયરના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદ બાદ પાણી સાથે આવેલી વધુ પડતી જળકુંભીના કારણે પાણી કાપ મુકવો પડયો છે.
તાપી નદીના કેચમેન્ટ એરિયામાં વરસાદ સારો રહેતાં રાંદેર-સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો કોઝવે ઓવર ફ્લો થયો છે. તાપી નદીમાં પાણી સાથે મોટા પ્રમાણમાં જળકુંભી તણાઈ ને આવી રહી છે. તાપી નદીમાં નવા પાણીના આવરા સાથે રાત્રીથી જ મોટા જથ્થામાં જળકુંભી તણાઈને આવી રહી છે તે સરથાણા- વાલક અને કતારગામ ઈન્ટેક વેલમાં ફસાઈ ગઈ છે. ઈન્ટેક વેલમાં જળકુંભી ફસાતા તાપી નદીમાંથી પાણી લઈ ફિલ્ટર કરવાની પ્રક્રિયા બંધ થઈ ગઈ છે. મ્યુનિ. તંત્રએ બુધવાર રાત્રીથી જ મેન્યુઅલી જળકુંભીની સફાઈ હાથ ધરી છે પરંતુ જથ્થો મોટા પ્રમાણમાં હોવાથી પાણી ફિલ્ટર થઈ શક્્યું નથી. જેના કારણે મ્યુનિ.ના રાંદેર ઝોન સિવાય તમામ ઝોનમાં મોટા ભાગે પાણી કાપ મુકવો પડયો હતો.