અંકલેશ્વરની ખરોડ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ પાણીમાં ફસાયા

અંકલેશ્વર શહેરમાં શનિવારે સવારથી મુશળધાર વરસાદ શરૂ થતાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો હતો. ભારે વરસાદના પગલે શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામમાં આવેલી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ સલામતીના કારણોસર રજા આપી દેવામાં આવી હતી. શાળાએથી છુટીને ભાદી ગામના વિદ્યાર્થીઓ તેમના ઘરે જઇ રહયાં હતાં. તે સમયે વરસાદના કારણે ખરોડ અને ભાદી ગામને જોડતાં રસ્તો પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. બાળકો રસ્તામાં ફસાયા હોવાની જાણ થતાં ભાદીના લોકો દોડી આવ્યાં હતાં. તેમણે તમામ વિદ્યાર્થીઓને પાણીના ધસમસતા પ્રવાહમાંથી સલામત રીતે બહાર કાઢી તેમને ઘર સુધી પહોંચાડયાં હતાં.
અંકલેશ્વર નજીકથી પસાર થતી આમલાખાડી ઓવરફલો થતાં તેના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યાં હતાં. આમલાખાડીના પાણી ફરી વળતાં હવામહેલથી પીરામણ ગામને જોડતો તથા નેશનલ હાઇવેથી અંકલેશ્વર શહેરમાં જતા રસ્તાને વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. રસ્તો બંધ થઇ જતાં વાહનચાલકોને વરસતા વરસાદમાં ફેરાવો ફરવાની ફરજ પડી હતી. આમલાખાડીના પાણી અંકલેશ્વર- હાંસોટ રોડ ઉપર પણ ફરી વળ્યાં હતાં. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અને રાહદારીઓએ પારાવાર હાલાકી વેઠવી પડી હતી. વરસાદના કારણે અંકલેશ્વર જીઆઇડીસીના વિવીધ વિસ્તારો જળબંબાકાર બની ગયાં હતાં. શોપીંગ સેન્ટરો તથા લોકોના ઘરોમાં વરસાદી પાણી પ્રવેશી ગયાં હતાં.