ટી-૨૦માં રોહિત શર્મા સૌથી વધુ સિક્સર મારનાર ગેઇલનો રેકોર્ડ તોડવાની તૈયારીમાં

ન્યુ દિલ્હી,
ભારતીય ક્રિકેટ ટીમનો વાઇસ કેપ્ટન રોહિત શર્મા ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધારે સિક્સર મારનાર દિગ્ગજ ક્રિસ ગેઇલનો રેકોર્ડ તોડવાની બહુ નજીક છે. રોહિતે ૯૪ ટી૨૦ મેચોમાં અત્યાર સુધી ૧૦૨ સિક્સર માર્યા છે જ્યારે ગેઇલે આ ફોર્મેટમાં સૌથી વધારે ૧૦૫ સિક્સર માર્યા છે. ભારત શનિવારે ફ્લોરિડાના સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સાથે ત્રણ ટી૨૦ મેચની સિરિઝની પહેલી મેચ રમવાનું છે અને આ મેચમાં જ રોહિત આ રેકોર્ડ પોતાના નામે કરી લેશે એવી ધારણા છે. ગેઇલે ૫૮ મેચમાં ૧૦૫ સિક્સર મારી છે. ગેઇલ પછી ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલનું નામ છે અને તેણે ૭૬ મેચોમાં ૧૦૩ સિક્સર મારી છે. ગેઇલ ભારત સામેની સિરિઝમાં નથી રમી રહ્યો કારણ કે તેને ટી૨૦ મેચો માટે આરામ આપવાનો છે. તેઓ ભારત સામે વનડે સિરિઝ રમશે અને આ તેની છેલ્લી વનડે સિરિઝ હશે. રોહિતના નામે ટી૨૦ મેચોમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ છે. રોહિતે ૩૨.૩૭ની સરેરાશથી કુલ ૨૩૩૧ રન બનાવ્યા છે. આમાં ચાર શતક અને ૧૬ અર્ધશતકનો સમાવેશ થાય છે.