સરફરાઝને કેપ્ટન પદેથી હટાવોઃ કોચ મિકી આર્થર

ઇસ્લામાબાદ,
પાકિસ્તાન ટીમના હેડ કોચ મિકી આર્થરે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ એટલે કે પીસીબીની ક્રિકેટ કમિનીને ટીમના હાલના કેપ્ટન સરફરાઝ અહમદને હટાવવાની ભલામણ કરી છે. હેડ કોચ મિકી આર્થરે પીસીબીને કેપ્ટન સરફરાઝ અહમદને હટાવવાની ભલામણ તે માટે કરી છે, કારણ કે તે પોતે આગામી બે વર્ષ સુધી પાકિસ્તાનની ટીમ સાથે જાડાઈને તેને ઉંચાઇઓ પર લઈ જવા ઈચ્છે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ક્રિકેટ કમિટીએ પાકિસ્તાન ટીમના છેલ્લા ત્રણ વર્ષના પ્રદર્શનની સમીક્ષા કરી છે. કમિટીએ આ વર્ષે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાયેલા વિશ્વ કપની પણ સમીક્ષા કરી, જેમાં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલ પહેલા બહાર થઈ ગઈ હતી. સૂત્રો પ્રમાણે મિકી આર્થરે કેપ્ટન સરફરાઝ અહમદને કેપ્ટન પદે હટાવવાની ભલામણ કરતા એક નવા નામનું સૂચન પણ કર્યું છે. મિકી આર્થર ઈચ્છે છે કે સરફરાઝ અહમદના સ્થાને શાદાબ ખાન ટી૨૦ અને વનડે માટે પાકિસ્તાન ટીમનો કેપ્ટન બને. આ સિવાય ટેસ્ટ ટીમ માટે પાકિસ્તાનની કમાન બાબર આઝમને મળે. મિકી આર્થરે કેપ્ટન સરફરાઝ અહમદની નબળાઈઓ વિશે પણ બોર્ડને જાણ કરી છે.