કેપ્ટન કોહલીએ પણ બોટલ કેપ ચેલેન્જનો વીડિયો શેર કર્યો

પોર્ટ ઓફ સ્પેન,
સોશિયલ મીડિયા પર કંઈક ને કંઈક નવી ચેલેન્જ સામે આવતી હોય છે. છેલ્લા ઘણા દિવસથી બોટલ કેપ ચેલેંજ ચાલી રહી છે. આ ચેલેન્જ હેઠળ લોકો પોતાની આગવી શૈલીમાં બોટલના કેપ્સ ખોલતા જાવા મળે છે. આ ચેલેન્જમાં હવે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી પણ પોતાની આગવી શૈલીમાં આ કરતબ કરતો જાવા મળ્યો હતો. વિરાટે ૧૫ સેકન્ડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે. જેમાં તે પોતાના બેટ વડે બોટલનું ઢાંકણું ખોલતા નજરે પડે છે. ક્રિકેટના મેદાન પર તમે વિરાટ કોહલીને રીવર્સ શોટ રમતા ભાગ્યે જ જાયો હશે. વિરાટે આ વીડિયોમાં રિવર્સ શોટની એક ઝલક આપી છે. બેકગ્રાઉન્ડમાં ચાલી રહેલી કોમેન્ટરી આ વિડીયોને રસપ્રદ બનાવે છે. વીડિયોમાં ટીમ ઈન્ડ્યિાના કોચ રવિ શાસ્ત્રીનો અવાજ છે. જ્યારે શાસ્ત્રી ક્રિકેટ કોમેન્ટરી કરતા હતા, ત્યારે તેમની કોમેન્ટરીની એક ક્લિપ તેમાં શામેલ કરવામાં આવી છે. આ વીડિયોમાં વિરાટ તેના હાથમાં બેટ ફેરવે છે. પછી બોટલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ઢાંકણાંને રિવર્સ શોટથી જ ખોલી નાંખે છે. બોટલનું ઢાંકણું દૂર પડી જાય છે અને ત્યારબાદ વિરાટ બોટલ ઉપાડીને તેમાંથી પાણી પીતો હોવાનું વીડિયોમાં જણાય છે.