રાજ્યમાં આ વર્ષે ૮૯ ટકા વરસાદ નોંધાયો

રાજ્યમાં આગામી ૫ દિવસ છૂટો છવાયો વરસાદ પડશે
અમદાવાદ,
રાજ્યમાં સાયક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમની અસરને કારણે આગામી ૫ દિવસ છૂટો છવાયો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. જામનગર, દ્રારકા, ભાવનગર, અમરેલીની સાથે સાથે રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં ૮૯ ટકા જેટલો વરસાદ વરસ્યો છે.
મહત્વનું છે કે અમદાવાદમાં છેલ્લા બે ત્રણ દિવસથી બફારો લાગી અનુભવાઇ રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં આ વર્ષે સરેરાશ ૮૯ ટકા સારો વરસાદ નોંધાયો છે. રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૪ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૪૦ જળાશયો છલકાયા છે.
૩૦ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૩૦ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૭૮.૦૨ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૧૦૧.૪૨ ટકા વરસાદ થયો છે તેમ રાજ્યના જળ સંપત્તિ વિભાગ, ગાંધીનગર દ્વારા મળેલા અહેવાલોમાં જણાવાયું છે.