ઈડર શહેરમાં સૌપ્રથમ વખત ફોટોગ્રાફી કોન્ટેસ્ટનું આયોજન

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર
Insideview IDAR ટીમ દ્વારા કરવામાં આવ્યું જેમાં સ્થાનિક તથા આજુબાજુનાં ગામોનાં સ્પર્ધકોએ ભાગ લીધો. ૨૫ ઓગસ્ટ, રવિવારની સવારે ૭.૩૦ એ ઈડર ગઢની તળેટીએ સૌ ભેગા થયા અને ઈડર રાજમહેલ સુધી ચઢ્યાં. ત્યારબાદ મહેલની અગાસી પર સ્પર્ધકોને આવકારવામાં આવ્યા. રાષ્ટ્રગીતના માનમાં સાથે ઊભા રહ્યા પછી નિયમો-સૂચનો સ્પર્ધકોને સમજાવીને કોન્ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો. સ્પર્ધામાં ઈડર ગઢનાં મોટાભાગના સ્થળો આવરી લેવામાં આવ્યા હતાં. સ્પર્ધકોએ પોતાની કલા-કૌશલ્યથી કેમેરા વડે જાતજાતનાં સુંદર ફોટોગ્રાફ્સ લીધા હતા. ૧૧.૩૦ કલાકે ફરી સૌ રાજમહેલની અગાસીએ ભેગા થયા હતા.
કોન્ટેસ્ટના પરિણામ જાહેર થાય એ દરમિયાનના સમયમાં સ્પર્ધકો અને ટીમના સભ્યોએ ફોટોગ્રાફીની કલા અને કોન્ટેસ્ટમાં જોડાયાના અનુભવોની એકબીજા સાથે વાતો કરી હતી. ઈડરના ડુંગરોના ખનન, પ્રકૃતિની વર્તમાન હાલત અને એનો બચાવ ચર્ચાના વિષય રહ્યા હતા, તે અંગે કેટલાંક મિત્રોએ ચિંતા વ્યક્ત કરી હતી. લગભગ ૧૨.૪૫ એ કોન્ટેસ્ટનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. પ્રથમ ત્રણ વિજેતાને ઈનામની રકમ પ્રમાણપત્ર સાથે આપવામાં આવી. ભાગ લેનાર અન્ય સ્પર્ધકોને ડીજીટલ પ્રમાણપત્ર E-Mail દ્વારા આપવામાં આવ્યા. ત્યારબાદ ગૃપ ફોટોગ્રાફી કરવામાં આવી. ફોટોગ્રાફી માટે પ્રોત્સાહન આપવાની તક તરીકે આયોજન કરવામાં આવેલા આ સફળ કોન્ટેસ્ટનો ભાગ બનવા બદલ સૌએ એકબીજાનો આભાર વ્યક્ત કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.