ખેલ મહાકુંભના ડાંગના સિનિયર સીટીઝન ખેલાડી  ગીરધરભાઇ દગાભાઇ નેરકર (મામા)

ખેલ મહાકુંભના ડાંગના સિનિયર સીટીઝન ખેલાડી  ગીરધરભાઇ દગાભાઇ નેરકર (મામા)
Spread the love

આહવા,
રમતપ્રેમીઓ માટે ખૂબ જ પ્રોત્સાહક બની રહેલા રાજ્ય સરકારના ખેલ મહાકુંભને કારણે, અનેક ખેલ પ્રતિભાઓની ભેટ રમતજગતને મળી રહી છે. જેની સાથે રમતવીરોને પ્રેરણા, પ્રોત્સાહન અને પુરસ્કારોની સાથે સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી પણ પ્રાપ્ત થઇ રહી છે. જેનું ઉત્તમ ઉદાહરણ એટલે આહવાના ૭૩ વર્ષિય નોટઆઉટ રમતવીર શ્રી ગીરધરભાઇ દગાભાઇ નેરકર (મામા).

ખેલ મહાકુંભમાંથી રાજ્ય અને દેશને મળેલા ડાંગના રત્નો એવા આંતરરાષ્ટ્રીય દોડવીરો મુરલી ગાવિત, અને સરીતા ગાયકવાડ સહિત અનેક નામી/અનામી ખેલાડીઓએ ડાંગ જિલ્લાનું નામ રોશન કર્યું છે. જે પૈકી મૂળ મહારાષ્ટ્ર (સાક્રી, જિ.ધુળિયા)ના વતની, અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા શ્રી નેરકર મામાએ, જ્યારથી તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલ મહાકુંભ શરૂ કર્યો, એટલે કે સને ર૦૧૦થી સતત બેડમિંગ્ટનમાં ભાગ લેવાનું શરુ કર્યું હતું. તેઓ ડાંગના એવા પ્રથમ ખેલાડી છે કે જેઓ છેલ્લા ૧૦ વર્ષથી બેડમિંગ્ટનમાં ભાગ લઇ સતત વિજેતા થાય છે.

પહેલા જ ખેલ મહાકુંભમાં વયજુથ ૪૦ થી ૬૦માં ભાગ લેનારા મામા ઇજાગ્રસ્ત થતા તેમનાથી વિજય થોડો છેટો રહી ગયો હતો. ત્યાર બાદ સને ર૦૧૧ થી સતત આજદિન સુધીના ખેલ મહાકુંભમાં જુદી જુદી વયજુથમાં સીંગલ્સ, અને ત્યાર બાદ પાર્ટનર મળતા છેલ્લા પાંચ વર્ષોથી ડબલ્સમાં પણ પ્રથમ ક્રમ મેળવીને જિલ્લા કક્ષાનું રોકડ પુરસ્કાર તથા પ્રમાણપત્ર મેળવી રહ્યા છે.
ખેલ મહાકુંભ શરૂ થયો તે અગાઉ જ્યારે રાજ્ય સરકારના કર્મચારી તરીકે તેઓ ફરજ બજાવતા હતા તે વેળા સરકારી કર્મચારીઓ માટેની રમત સ્પર્ધાઓમાં પણ સતત તેઓ ભાગ લઇને, તેમની રમત અને ફીટનેસનું જતન, સંવર્ધન કરતા રહ્યા. જેને ખેલ મહાકુંભ દ્વારા ઉડવા માટેની નવી પાંખો મળતા, આજે નેરકર મામા ૭૩ વર્ષે પણ એકવડિયા બાંધા સાથે સ્વસ્થ અને નિરોગી જીવન જીવીને, યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે. નવી પેઢીના યુવક/યુવતિઓને બેડમિંગ્ટન બાબતે અવારનવાર માર્ગદર્શન અને તાલીમ આપી રહેલા શ્રી નેરકર મામાના હાથ નીચે તાલીમબદ્ધ થયેલા યુવાનોએ પણ ખેલ મહાકુંભમાં સફળતા મેળવી છે.

ડાંગ જિલ્લામાં ઇનડોર ગેમ્સ એવી બેડમિંગ્ટન માટે જરૂરી એવી વુડન કોર્ટ આહવા સ્થિત ડાંગ્સ ક્લબમાં તત્કાલિન નાયબ વન સંરક્ષકશ્રી ડૉ.ધીરજ મિત્તલના હકારાત્મક પ્રયાસ અને સહયોગથી તૈયાર કરી, નવી પેઢીના યુવા રમતવીરોને પ્રોત્સાહન પુરૂ પાડતા નેરકર મામાના હાથ નીચે આહવાના સર્વશ્રી કેતન પટેલ, સતિષ પટેલ, સિદ્ધાર્થ જોષી, વિરલ ચૌધરી, શાંતારામ દૂષાણે સહિતના યુવાનો પણ બેડમિંગ્ટન બારીકાઇ શીખીને, ખેલ મહાકુંભમાં નામ રોશન કરી રહ્યા છે. જે મારા માટે ગૌરવની બાબત છે તેમ શ્રી નેરકર મામાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું.

તાજેતરમાં ગત તા.૧૯મી સપ્ટેમ્બર, ૨૦૧૯નાં રોજ ડાંગ્સ ક્લબ ખાતે રમાયેલી બેડમિંગ્ટનની સીંગલ્સમાં પ્રથમ ક્રમે વિજેતા થનારા, નેરકર મામા આગામી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે, ડાંગ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જે જિલ્લા માટે, અને ખાસ કરીને નવયુવાનો માટે પ્રેરણારૂપ બની રહેશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!