કરોડના ખર્ચે બનેલ કડીનું ભીમનાથ તળાવ થયું ગંદકીમય : રોગચાળો ફેલાવનારા ઘર

કડી માં વડવાળા હનુમાનજી ના મંદિર ની સામે આવેલ રુ.દોઢ કરોડ ના ખર્ચે બનેલ ભીમનાથ તળાવ કડી નગરપાલિકા ના ગેરવહિવટ ને કારણે ગંદકી અને મચ્છરો નુ ઘર બની ગયુ છે. છેલ્લા કેટલાક સમયથી કડીમાં રોગચાળાએ તોફાન મચાવ્યું છે ત્યારે કડી ના પનોતા પુત્ર અને ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલના હસ્તે લોકાર્પણ થયેલ આ તળાવને ગંદકીમય બનતા કોઈ સત્તાધીશ રોકી શક્યા નથી.
કડીમાં અંદરો અંદર સ્થાનિક નેતાગીરીમાં ખેંચતાણના કારણે તેની અસર ક્યાંક ને ક્યાંક કડી નગરના વિકાસમાં જોવા મળી રહી છે આ બાબતનું એક ઉદાહરણ જોઈએ તો તે છે કડીમાં આવેલ ભીમનાથ તળાવ,વર્ષ-૨૦૧૮ના મે માસમાં આશરે દોઢ કરોડ રૂપિયાના ખર્ચે કરી બોટ, રંગીન ફૂવારા વગેરે સુવિધાઓ ઉપલબ્ધ કરી ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે કેટલીય આશાઓ સાથે મિની કાંકરિયાના સંબોધન સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું વર્તમાન સમયે તેની હાલત જોઇએ તો ભીમનાથ તળાવની હાલત ખૂબ જ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે.
બંધીયાર પાણીમાં લીલ આસપાસ ગંદકી,કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે .બોટ ફુવારા પણ બંધ હાલતમાં છે લોકાર્પણ થયાના દોઢ જ વર્ષમાં ભીમનાથ તળાવની આવી હાલત એ જનતાને ઘણું બધું જણાવી જાય છે ગુજરાત સરકારના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જો આ બાબતે નગરપાલિકાના હોદ્દેદારોને સજાગ કરે તો ફરી એકવાર ભીમનાથ તળાવ મિની કાંકરિયાના સ્વરૂપે જોવા મળી શકે તેમ છે.
લોકમુખે એવી ચર્ચા પણ જામી છે કે ભીમનાથ તળાવમાં ગટરનું ગંદુ પાણી પણ છોડવામાં આવે છે તેથી આ તળાવમાં ગટરના પાણીના લીધે ખૂબ જ દુર્ગંધ મારે છે એના લીધે આજુબાજુના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે એના લીધે રોગચાળો પણ ફાટી નીકળવાની દહેશત છે.કડી માં છેલ્લા થોડા સમય થી રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે આરોગ્ય વિભાગ અને પાલિકા દ્વારા આવા રોગચાળાના ઘર સમાન તળાવ દેખાતું નહિ હોય તે મોટો યક્ષ પ્રશ્ન છે.