મોક એકસરસાઇઝ ઓન કેમિકલ ડિઝાસ્ટર વિષય પર રાજ્યસ્તરીય વીડિયો કોન્ફરન્સ

મોક એકસરસાઇઝ ઓન કેમિકલ ડિઝાસ્ટર વિષય પર રાજ્યસ્તરીય વીડિયો કોન્ફરન્સ
Spread the love

ગાંધીનગર,
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (જીએસડીએમએ) અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી (એનડીએમએ)ના સંયુકત ઉપક્રમે મોક એકસરસાઇઝ ઓન કેમિકલ ડિઝાસ્ટર વિષય પર ગુજરાત ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેકટર જનરલ શ્રી પી.કે.તનેજાના અધ્યક્ષસ્થાને રાજ્યસ્તરીય વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. રાજ્યમાં કેમિકલ દુર્ઘટના ન સર્જાય અને જો દુર્ઘટના સર્જાય તો તે સમયે શું પગલાં લેવા તે બાબતે નાગરિકો અને ઔદ્યોગિક ક્ષેત્રે જાગૃતતા લાવવાના હેતુથી આગામી તા.૧૦ અને ૧૧ ઓકટોબરના રોજ છ જિલ્લામાં ટેબલ ટોક તથા મોક એકસરસાઇઝનું આયોજન કરવામાં આવશે.

જીઆઇડીએમના ડાયરેકટર જનરલ શ્રી પી.કે.તનેજાએ જણાવ્યું હતું કે, ગુજરાત એ આપત્તિમાંથી માર્ગ કાઢનારૂ રાજ્ય છે. આપત્તિ માનવસર્જિત હોય કે કુદરતી, ગુજરાતે મક્કમતાથી સામનો કરી દુનિયાને અનોખું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સીઇઓ શ્રી અનુરાધા મલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રથમ વાર રાજ્યસ્તરીય મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મોક એક્સરસાઇઝ રાજ્યનાં અમદાવાદ, વલસાડ, વડોદરા, જામનગર, ભરૂચ અને સુરત એમ છ જિલ્લામાં કરવામાં આવશે.

વરિષ્ઠ સલાહકાર મેજર જનરલ વી.કે. દત્તાએ જણાવ્યું કે ગુજરાત હંમેશા આપત્તિ સમયના બચાવ કાર્ય માટે આગોતરૂ આયોજન કરતું રહ્યું છે. ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે હરદમ પ્રગતિ કરતું રાજ્ય છે. કોઇપણ કુદરતી હોનારત સમયે ઓદ્યોગિક ક્ષેત્રે કેમિકલ દુર્ઘટનાનો સામનો કરવા એક સચોટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનની આવશ્યકતા રહે છે જેનાથી જિલ્લા કક્ષાએ કલેક્ટરશ્રીઓએ માહિતગાર હોવું અત્યંત આવશ્યક છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી શ્રી વિક્ટર મેકવાને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને રજૂ કરતાં જણાવ્યું હતું કે, આપત્તિને અવસરમાં પલટવાનું સામર્થ્ય ગુજરાત પાસે છે. રાજ્યમાં આપત્તિને પહોંચી વળવા એનડીઆરએફ, એસડીઆરએફ, આર્મી, એરફોર્સ અને કોસ્ટગાર્ડની મદદ માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવી છે. તદ્ઉપરાંત તેમણે રાજ્ય સરકારના તમામ વિભાગોએ આપત્તિ સમયે શું કામગીરી કરવાની રહે છે તે મુદ્દે પણ માર્ગદર્શન આપ્યું હતું.

આ વિડિયો કોન્ફરન્સમાં આર્મી, એરફોર્સ, કોસ્ટગાર્ડ, એનડીએમએ, જીએસડીએમએ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રીઓ તેમજ વિવિધ કંપનીના પ્રતિનિધિઓ જોડાયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!