ભિલોડામાં તસ્કરો ત્રાટક્યા : મહિલાઓને ગળે ચપ્પુ મૂકી ૧.૧૬ લાખ રૂપિયાની લૂંટ

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ
અરવલ્લી જિલ્લામાં ભિલોડામાં આવેલી સંસ્કાર સોસાયટીમાં બંધ મકાનમાં પ્રવેશી ઉંઘી રહેલી બે મહિલાઓના ગળે ચપ્પુ રાખી ૧.૧૬ લાખ રૂપિયાના મુદ્દામાલની લૂંટ કરી રફુચક્કર થઇ જતા ભારે ચકચાર મચી હતી. ભિલોડા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે રાત્રીના સુમારે, ભિલોડામાં સંસ્કાર સોસાયટીમાં રહેતી બે મહિલાઓ તેમના ઘરના લોખંડના દરવાજાને સ્ટોપર મારી સુઈ ગઈ હતી મોડીરાત્રે ચાર તસ્કરોએ દરવાજાની સ્ટોપર ખોલી ઘરમાં પ્રવેશી આશાકુમારી અને ગીતાબેનના ગળાના ભાગે ચપ્પુ રાખી ઘરમાં લોખંડની પેટી અને ડબ્બામાં મુકેલા રોકડા રૂપિયા ૫૦ હજાર અને સોના-ચાંદીના દાગીના મહિલાઓના બે મોબાઈલ મળી કુલ રૂ.૧૧૬૦૦૦/- ની લૂંટ ચલાવી ૪ અજાણ્યા શખ્શો ફરાર થઈ ગયા હતા તસ્કરોની ધમકીથી હેબતાઈ ગયેલી મહિલાઓએ ભિલોડા પોલીસને જાણ કરતા ભિલોડા પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી. ભિલોડા પોલીસે આશાકુમારી રાધેશ્યામ શર્માની ફરિયાદના અજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.