ઓલપાડ લવાછાચોર્યાસી પ્રાથમિક શાળાના ઉપાચાર્ય પ્રવીણ પટેલનો નિવૃત્તિ વિદાય સમારંભ

લવાછા ગામના હરિઓમ આશ્રમ નિવાસી પૂજ્ય ઝીણાકાકાની પુણ્યતિથિના અવસરે યોજાયેલ આ વિદાય સમારંભમાં ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી પદમાબેન પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા હોદ્દેદારો, એલ.એન્ડ.ટી. હજીરાનાં અતિકભાઇ દેસાઈ, આસપાસના ગામના સરપંચો, સહકારી અગ્રણીઓ, દાતાઓ, હરિઓમ આશ્રમના સ્વજનો, કુદીયાણા સંલગ્ન પ્રાથમિક શાળાના શિક્ષક ભાઈ-બહેનો, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ઉપરાંત સમસ્ત ગામના અબાલવૃધ્ધો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં સ્થાનિક શાળાની બાળાઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજુ કર્યા હતા. ગામના ઉત્સાહી સરપંચ અશોકભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત જનમેદનીને આવકારી પ્રવીણભાઈ પટેલની જીવનઝાંખી રજૂ કરી હતી. સમારંભના અધ્યક્ષ ઓલપાડના ધારાસભ્ય મુકેશભાઇ પટેલે પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રવીણભાઈએ પોતાની ૩૩ વર્ષની શિક્ષક તરીકેની કારકિર્દીમાં નિ:સ્વાર્થભાવે સેવા બજાવી શાળાને નંદનવન બનાવી છે. તેઓ શાળાના બાળકોના અજોડ માર્ગદર્શક બન્યા છે. એટલું જ નહીં તેમણે ગામના અનેક કુટુંબને સામાજિક, આર્થિક અને અધ્યાત્મિક ક્ષેત્રે ઉન્નત કરીને સાચા અર્થમાં પોતાનું શિક્ષકત્વ સાર્થક કર્યું છે જેનો હું સાક્ષી છું.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રીમતી પદમાબેન પટેલ સહિતના મહાનુભાવોએ પોતપોતાના ઉદબોધનમાં પૂજ્ય મોટાના ઉપાસક એવા પ્રવિણભાઈની ઉત્કૃષ્ટ કર્તવ્યનિષ્ઠાને બિરદાવી હતી. નિવૃત્તિ વિદાયમાનના આ સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રવીણભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનપત્ર તથા સ્મૃતિભેટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
પૂજ્ય ઝીણાકાકાની પ્રેરણાથી ગામની શાળાને જ પોતાની કર્મભૂમિ બનાવનાર પ્રવિણભાઈએ હરિઓમ આશ્રમ, એલ. એન્ડ. ટી. કંપની, હજીરા તથા નામીઅનામી દાતાઓના સહયોગથી અંતરિયાળ કાંઠા વિસ્તારની આ સરકારી શાળાને ખાનગી શાળા જેવી અધતન બનાવી છે. તેમના કાર્યને બિરદાવવા મંચ ઉપર શુભેચ્છકોએ પુષ્પગુચ્છ અને સ્મૃતિભેટનો ધોધ વહેડાવ્યો હતો.
આ પ્રસંગે પ્રવીણભાઈએ પોતાના પ્રતિભાવમાં પોતાના કાર્યકાળને વાગોળ્યો હતો. તેઓ શાળાના વિકાસમાં સહયોગ આપનાર સૌ શિક્ષણપ્રેમીઓના ઋણ સ્વીકાર કરતા ગદગદિત થયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રવીણભાઈએ અંતમાં સ્થાનિક શાળાને ૧,૧૧,૧૧૧/- રૂપિયા શ્રી ઝેડ.એમ. પટેલ વિદ્યાલયને ૧,૧૧,૧૧૧/- રૂપિયા તથા પંચાયતને ૫૧,૦૦૦/- નું માતબર દાન આપી પોતાનું ઉમદા સૌજન્ય દાખવ્યુ હતું.
અંતમાં આભારવિધિ શાળાના આચાર્ય મનીષભાઈ પટેલે આટોપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાસ્ટાફ તથા ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમના ઉદઘોષક તરીકે સીથાણના સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાકેશભાઈ મહેતાએ સેવા આપી હતી. એમ તાલુકાના પ્રચાર- પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક યાદીમાં જણાવે છે.