અંકલેશ્વરમાં ૧૦મો એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૦નો પ્રારંભ

ભરૂચ,
ઐદ્યોગિકક્ષેત્રોમાં હકારાત્મક અભિગમ એ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા છે, ઉધોગોના સર્વાંગી વિકાસ માટે કેન્દ્ર સરકાર સતત કટીબધ્ધ હોવાનું જણાવ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો થકી નવી ટેકનોલોજી નિર્માણ થવાને કારણે ઉધોગોનો ગ્રોથ વધ્યો છે, હરિફાઇના જમાનામાં ટકવા માટે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ ઉધોગોના વિકાસમાં મહત્તમ પુરવાર સાબિત થાય છે. તેમ ભારત સરકારના કેમીકલ, ફર્ટીલાઇઝર્સ અને શીપીંગ રાજ્ય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ૧૦મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૦નું ઉદધાટન કરતાં જણાવ્યું હતું. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન ધ્વારા સહયોગી સંસ્થાના સહયોગથી આયોજિત ૧૦મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૦ના ઉદધાટન કાર્યક્રમ પ્રસંગે સહકાર રાજય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા.
આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ ઇન્ડસ્ટ્રીયલ એકઝીબીશનનું રિબીન કાપીને ખુલ્લું મૂકયા બાદ એકસ્પો પ્રદર્શનને રસપૂર્વક નિહાળયું હતું. તેમની સાથે સહકાર રાજય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલ અને અન્ય મહાનુભાવો પણ જોડાયા હતા.
આ પ્રસંગે ડી.એ.આનંદપુરા હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી કેન્દ્રિય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ અંકલેશ્વર ખાતે એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૦ના સુંદર આયોજનને બિરદાવી સાથ આપનાર તમામ સંસ્થાઓ- ઉધોગો અભિનંદનના અધિકારી હોવાનું કહ્યું હતું. કેન્દ્રિય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે દેશનો વિકાસ કરવો હોય તો ઉધોગ ક્ષેત્રેનો વિકાસ કરવો પણ જરૂરી બને છે ઉધોગોના વિકાસના માધ્યમથી જ તમે સારો વિકાસ સાધી શકશો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાના અભિયાન વડે દેશ ઔધોગિક ક્ષેત્રે સફળતાના શિખર સર કર્યું હોવાનું જણાવી સકારાત્મક પરિણામોની વિસ્તૃત જાણકારી અનેક દાખલાઓ સાથે આપી હતી.
ધારાસભ્યશ્રી દુષ્યંતભાઇ પટેલે ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૦ના આયોજનને બિરદાવતા આજથી બેદિવસીય એકઝીબીશનમાં નવી ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લો ઔધોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહયો હોવાનું જણાવી તે અંગે વિસ્તૃત માહિતી પણ તેમણે રજૂ કરી હતી.
અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખશ્રી મહેશભાઇ પટેલે ઇન્ડસ્ટ્રીયલ સેમીનાર અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. એકસ્પોના ચેરમેનશ્રી પ્રવિણભાઇ તરૈયાએ ૧૦મા એઆઇએ ઇન્ડસ્ટ્રીયલ એકસ્પો-૨૦૨૦ ના એકઝીબીશનની વિસ્તૃત માહિતી આપી હતી. અંતમાં આભારવિધિ એઆઇએના મહામંત્રીશ્રી રમેશભાઇ ગાબાણીએ કરી હતી. આ પ્રસંગે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશનના હોદેદારો, પાનોલી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના પ્રમુખશ્રી બી.એસ.પટેલ, ફેડરેશનના પ્રમુખશ્રી પ્રબોધભાઇ પટેલ, એકસ્પો-૨૦૨૦ ના હોદેદારો, નોટીફાઇડ તેમજ જીઆઇડીસીના અધિકારીગણ, હોદેદારો, ઉધોગ સાહસિકો ઉપસ્થિત રહયા હતા. ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરના ડી.એ.આનંદપુરા સાંસ્કૃતિક અને રમત ગમત સંકુલ, જીઆઇડીસી ખાતે યોજાયેલ મેગા પ્રદર્શનની અંદર નાના મોટા થઇને ૩૦૦ થી વધુ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. આ એકઝીબીશનમાં ફાર્માસ્યુટીકલ્સ, કેમિકલ્સ,પોલીમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટીસાઇડસ, ઓઇલ એન્ડ લુબ્રીકેન્ટ, એન્જીનીયરીંગ, ટુલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ ઇકવીપમેન્ટસ, પોલ્યુશન કંટ્રોલ ઇકવીપમેન્ટસ, ઇલેકટ્રીકલ્સ એન્ડ ઇલેકટ્રોનીકસ, ઓટોમેશન એન્ડ ઇન્સ્ટ્રુમેશન, પાવર એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર વિગેરે ઉધોગોએ ભાગ લીધેલ છે. આ ઉપરાંત બે દિવસીય સેમીનારમાં સુરક્ષા અને સલામતી સંલગ્ન વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો ધ્વારા વિવિધ વિષયો પર વકતવ્યનું આયોજન પણ કરવામાં આવેલ છે.