અંબાજી મુકામે અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘનું ૨૬મું મહાઅધિવેશન યોજાયું

- ગુજરાતના વિકાસમાં ઉર્જા વિભાગનું વિશેષ યોગદાન છે’’ : અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખશ્રી ભરતભાઇ પંડ્યા
- સાતત્યપૂર્ણ વીજપુરવઠો પુરો પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે : મંત્રીશ્રી વાસણભાઇ આહીર
વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખશ્રી ભરતભાઇ પંડ્યાના અધ્યક્ષસ્થાને સંઘનું ૨૬મું મહાઅધિવેશન યોજાયુ હતું. આ પ્રસંગે સંઘના પ્રમુખશ્રી ભરતભાઇ પંડ્યાએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, લોકોના ઘરમાં પ્રકાશ પાથરતા પાથરતા ઘણીવાર પોતાના ઘરમાં કાયમ અંધકાર પથરાઇ જાય તેવી વિકટ પરિસ્થિતિમાં કામ કરતા વિધુત કામદારોને નતમસ્તક કરી અભિનંદન પાઠવું છું. તેમણે કહ્યું કે, ઇ.સ.૧૯૬૨માં શરૂ થયેલા અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખ હોવાનું ગૌરવ એટલા માટે છે કે ગુજરાતના વિકાસમાં ઉર્જા વિભાગનું વિશેષ યોગદાન છે.
તેમણે ઉમેર્યુ કે, ગુજરાતને દેશ-વિેદેશમાં મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત કરવામાં આ વિભાગનો સિંહફાળો છે. શ્રી ભરતભાઈ પંડ્યાએ કહ્યું કે, ભૂકંપ કે પૂર-વાવાઝોડા જેવી આપત્તિના સમયે વિધુત કામદારો પોતાના પરિવારની પરવા કર્યા વિના રાતદિવસ કામ કરે છે. તેમણે ઉમેર્યુ કે, બનાસકાંઠા જિલ્લામાં વર્ષ-૨૦૧૭માં આવેલા પૂરના સમયે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી પાંચ દિવસ બનાસકાંઠામાં રોકાઇ પરિસ્થિતિને પૂર્વવત કરવા માર્ગદર્શન આપી રહ્યા હતાં તે સમયે ઉર્જા વિભાગના કર્મચારીઓએ ખુબ જ સરાહનીય કામગીરી કરી હતી તેની સમગ્ર ગુજરાતમાં પ્રશંસા થઇ હતી.
અખિલ ગુજરાત વિધુત કામદાર સંઘના પ્રમુખશ્રી ભરતભાઇ પંડ્યાએ કહ્યું કે, પૂરના પાણીમાં જઇ વીજળીના થાંભલા ઉપર ચડી લોકોને પ્રકાશ આપવા વિધુત કામદાર ઘણીવાર જાનની બાજી લગાવી દે છે ત્યારે આવી શ્રેષ્ઠધ કામગીરી કરનાર કામદારોનું આગામી અધિવેશનમાં સંઘ દ્વારા સન્માન કરવા આવશે. વિધુત કામદારોને કામગીરી દરમ્યાન અકસ્માત ન થાય અને સાવચેતી રાખવાની અપીલ કરતા શ્રી પંડ્યાએ કહ્યું કે, લાઇવ વાયર પર જતાં પહેલાં લાઇફ લાઇન પર પોતાના પરિવાર સામે જોઇને, તેમનો વિચાર કરીને જોખમ ન ખેડવા તેમણે કામદારોને અપીલ કરી હતી.
શ્રી પંડ્યાએ કહ્યું કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતિ નાગરિકો- જેઓ શરણાર્થી તરીકે ભારતમાં આવ્યા છે તેમને નાગરિકતા આપવા ભારત સરકાર દ્વારા સીએએનો કાયદો બનાવવામાં આવ્યો છે આ કાયદાને સમર્થન આપવા તેમણે અપીલ કરી હતી. તેમણે ઉતરાયણ પર્વની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, ઉત્તરાયણના તહેવાર નિમિત્તે તમારી પતંગની દોરીથી કોઇ અબોલ પશુ-પંખીની જીવનદોરી ન કપાઇ જાય તેની કાળજી રાખી સલામત ઉતરાયણની ઉજવણી કરીએ.
આ પ્રસંગે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ રાજ્ય મંત્રીશ્રી વાસણભાઇ આહીરે જણાવ્યું કે, ભૂતકાળમાં નુકશાન કરતો ઉર્જા વિભાગ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નિર્ણય અને વિધુત કામદારોની મહેનત, પુરૂષાર્થને લીધે ઉર્જા વિભાગ આજે ઉર્જાવાન બન્યો છે. ગુજરાતના તમામ ગામડાઓને ૨૪ કલાક વીજ પુરવઠો મળી રહે તે માટે વર્ષ-૨૦૦૫માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જી.ઇ.બી.નું સાત કંપનીઓમાં વિભાજન કરી માળખામાં ધરખમ ફેરફાર કરી સતત વીજળી મળે તેવી વ્યવસ્થા ઉભી કરી આપી છે.
સાતત્યપૂર્ણ વીજપુરવઠો પુરો પાડવામાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે તેમ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે, કચ્છ, બનાસકાંઠા-પાટણ જિલ્લાને અડીને આવેલી પાકિસ્તાન સરહદ પર આપણી રક્ષા કરતા સુરક્ષા જવાનોને વીજળી, પાણી મળે તેની વ્યવસ્થા આ સરકારે કરી છે. મંત્રીશ્રીએ કહ્યું કે, ગુજરાતને મોડેલ સ્ટેટ બનાવવામાં ઉર્જા વિભાગનું મહત્વનું યોગદાન છે. આપણા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ગુજરાત ઉર્જા સહિત તમામ ક્ષેત્રોમાં વિકાસના સોપાનો સર કરી રહ્યું છે.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે જણાવ્યું કે, વિધુત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ રાત-દિવસ એક કરી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ કામ કરે છે. તેમની મહેનતના લીધે ગુજરાતમાં ૨૪ કલાક થ્રી ફેઇઝ વીજ પુરવઠો મળે છે. તેમણે કહ્યું કે ઉર્જા ક્ષેત્રે ગુજરાત સરપ્લનસ સ્ટેટ છે અને પ્રજાહિતમાં ઉર્જા વિભાગ સતત કામ કરે છે જે બદલ તેમને અભિનંદન પાઠવું છું. ઉર્જા ક્ષેત્રે ગુજરાત દેશના અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી છે એમ જણાવતાં તેમણે કહ્યું કે નિગમના તમામ એન્જિનિયર્સ સહિત કર્મચારીઓ પોતાની ફરજ અને જવાબદારી સારી રીતે સમજી સમર્પિત ભાવે ફરજ બજાવે છે પરિણામે સિધ્ધિઓ મેળવી શકાય છે.
તેમણે કહ્યું કે, રાજ્યના છેવાડાના વિસ્તારમાં પણ અવિતરણ વીજ પુરવઠાના લીધે બનાસકાંઠા જિલ્લામાં દૂધના ધંધાનો ખુબ સરસ વિકાસ થયો છે પરિણામે બનાસ ડેરી સમગ્ર એશિયમાં દૂધ સંપાદનમાં નંબર વન છે. સાંસદશ્રીએ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતિ નાગરિકો- જેઓ શરણાર્થી તરીકે ભારતમાં આવ્યા છે તેમને નાગરિકતા આપવા આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રીશ્રી અમતિભાઇ શાહે સંસદમાં સીએએનો કાયદો પસાર કરાવ્યો છે તેને સમર્થન આપી શક્તિશાળી રાષ્ટ્રઅના સહભાગી બનવા અપીલ કરી હતી. પ્રારંભમાં સંઘના કન્વીનરશ્રી જે. એસ. પટેલે સ્વાગત પ્રવચન કરી કામગીરીની સંક્ષિપ્ત વિગતો જણાવી હતી.
આ પ્રસંગે સેક્રેટરી જનરલશ્રી બળદેવભાઇ પટેલે દ્વારા રૂપરેખા રજુ કરવામાં આવી હતી. મહાનુભાવો દ્વારા એજીવિકેસના સોવિનીયરનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યુ.જી.વી.સી.એલ.ના મુખ્ય ઇજનેરશ્રી પી.પી.પંડ્યા, મધ્ય ગુજરાતના મુખ્ય ઇજનેરશ્રી સ્વાતિબેન, અધિક મુખ્ય ઇજનેરશ્રી એલ.એ.ગઢવી, શ્રી બી.એમ.શાહ, જેટકોના શ્રી વી.ટી.પરમાર, અધિક્ષક ઇજનેરશ્રી ગિરીશભાઇ પટેલ અને શ્રી એલ.એફ.ડાભી, સંઘના ઉપપ્રમુખશ્રી સુમનભાઇ પટેલ, શ્રી ગજેન્દ્ર ભટ્ટ, શ્રી રતનસિંહ ચૌહાણ, શ્રી ચેતન મહેતા, શ્રી વિરેન મહેતા સહિત રાજ્યભરના વીજ કંપનીઓના કામદારો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
અમિત પટેલ (અંબાજી)