મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વિશ્વના ૧૫ દેશો સહિત ભારતના ૪ રાજ્યોનાપતંગબાજોએ ઉડ્ડયન કલા રજુ કરી

- મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલ પતંગોત્સવમાં વિશ્વના ૧૫ દેશોના ૫૫ પતંગબાજ સહિત ભારતના ૪ રાજ્યોના ૪૫ પતંગબાજા મળીને ૧૦૦ જેટલા પતંગબાજોએ પોતાની પતંગ ઉડ્ડયન કલા રજુ કરી
પતંગ મહોત્સવમાં ઉપસ્થિત પોલેન્ડના બારબરા મિચલીકે જણાવ્યું હતું કે, હું પણ બાળપણથી પતંગની શોખીન છું. અહી આવવાનો મોકો મળ્યો તે બદલ હું ખુબ ઉત્સાહિત છું. મહેસાણાના લોકો અને ખાસ કરીને યુવાનો અને બાળકો અમારી સાથે સેલ્ફી લઈને રોમાંચિત થઇ ઊઠે છે. આટલી વિશાળ જનમેદની પતંગોત્સવનો લ્હાવો લેવા ઉત્સુક છે તે જાણીને ખુબ જ રોમાંચિત છું. લીથુનિયાની પતંગબાજ બોરાએ જણાવ્યું હતું કે હું ગુજરાતના લોકોની ઉત્સવપ્રિયતાથી પરિચિત છું અહી રાજ્ય પ્રશાસન અને જિલ્લા પ્રશાસન દ્વારા અમને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં કેનેડાના ૦૨, ફ્રાન્સના ૦૨, બેલ્જિયમના ૦૨, જર્મનીના ૦૫, ઇન્ડોનેશિયના ૦૬, ઇઝરાયેલના ૦૫, ઇટાલીના ૦૪, કેન્યાના ૦૪, કોરીયાના ૦૪, લેબનોનના ૦૨, લિથુનીયાના ૦૪, મલેશિયાના ૦૬, મેક્સિકોના ૦૪, પોલેન્ડના ૦૩, ઝીમ્બાબ્વેના ૦૨, સહિત દેશના વિવિધ રાજ્યો જેવા કે કેરાલાના ૨૨,મહારાષ્ટ્રના ૧૬, દિલ્લીના ૦૧, રાજ્સ્થાનના ૦૪ સહિત ગુજરાતના ૦૨ પતંગબાજો મહેસાણા પતંગ મહોત્સવમાં ઉપસ્થિત રહયા હતા. જેમાં દેશ વિદેશના પતંગબાજોના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અદભૂત અવસરનો લાભ મહેસાણાના પ્રજાજનોએ મેળવ્યો હતો.
કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી ડો.આશાબેન પટેલ, કરશનભાઇ સોલંકી,અજમલજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણી, જિલ્લો પોલીસ અધિક્ષક મનિષ સિંહ, નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ, પ્રાન્ત અધિકારી વિમલભાઇ સહિત જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ, દેશ-વિદેશના પતંગબાજો, જિલ્લાના પતંગ રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અપૂર્વ રાવળ (મહેસાણા)