મનસુખભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાકક્ષાની દિશાની યોજાયેલી બેઠક

ભરૂચ,
ભરૂચ જિલ્લાકક્ષાની દિશા ( ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કો-ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ ) સમિતિના અધ્યક્ષશ્રી મનસુખભાઇ વસાવાએ આકાંક્ષી-મહાત્વાકાંક્ષી જિલ્લાના પરિપ્રેક્ષ્યમાં ભરૂચ જિલ્લામાં અમલી સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો જિલ્લાના હિતમાં ઘનિષ્ઠ અમલીકરણ દ્વારા મહત્તમ પ્રજાકીય ફાયદો થાય તે દિશામાં શ્રેષ્ઠત્તમ પ્રયાસો થકી જિલ્લાના લોકોની સુખાકારી વધે તેવા સૌના સહિયારા પ્રયાસો કરવા ખાસ અનુરોધ કર્યો હતો.
ભરૂચ કલેકટર કચેરીના સભાખંડ ખાતે દિશા સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા સંસદ સભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ પ્રત્યેક જિલ્લાના સર્વાગી વિકાસ માટે રાજય સરકાર સતત ચિંતિત અને પ્રયત્નશીલ છે, ત્યારે આપણે સૌએ પણ જિલ્લાની સર્વાગી વિકાસ કૂચમાં અગ્રેસર રહી ભરૂચ જિલ્લો રાજયમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરે તે માટે સતત જાગૃત રહીને જિલ્લાના નિર્ધારિત લક્ષ્યાંકો સિધ્ધ થાય તે માટે સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા ઉપસ્થિત અધિકારીગણને જણાવ્યું હતું.
આ બેઠકમાં કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ જે વર્ષમાં કામો મંજૂર થાય તે કામો ચાલુ વર્ષમાં પુરા કરવા જણાવ્યું હતું. તેમણે યુવાનોના કૌશલ્ય વિકાસ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરાય તે અંગે અધિકારીઓને સુચિત કરાયા હતા.
સંસદ સભ્યશ્રી મનસુખભાઇ વસાવાએ જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, મિશન મંગલમ, ડીઆરડીએની તમામ યોજનાકીય ખર્ચ અને બચત, મધ્યાહન ભોજન, અન્ન-નાગરિક પુરવઠા, પ્રધાનમંત્રી ઉજજવલા યોજના, આરોગ્ય, આઇસીડીએસ, લીડ બેન્ક, વોટરશેડ, પાણીપુરવઠા, વાસ્મો, DILR, માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા પંચાયત, સમાજ સુરક્ષા, નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના, નિરાધાર વિધવા સહાય યોજના, ઇન્દીરા ગાંધી વૃધ્ધ પેન્શન યોજના, કૃષિ યોજના, ટ્રાયબલ સબપ્લાન, આદિજાતી પછાત આશ્રમ શાળા, વીજ સુવિધા, શિક્ષણ, મહિલા અને બાળવિકાસ, નગરપાલિકા વિસ્તાર વગેરે ક્ષેત્રોમાં જિલ્લામાં થયેલી કામગીરીની વિસ્તૃત અને ઝીણવટપૂર્વક સમીક્ષા કરી અમલીકરણ અધિકારીઓને શ્રી વસાવાએ જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી દુષ્યંતભાઇ પટેલ, અરૂણસિંહ રણા, સંજયભાઇ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, નિવાસી અધિક કલેકટરશ્રી જે.ડી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી સહિત અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિત રહયા હતા.