ભરૂચ જિલ્લા-સંકલન ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠક

ભરૂચ,
ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ જિલ્લા સંકલન સમિતિમાં જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ થતાં લોકપ્રશ્નોનો સમયસર, વાજબી અને ઝડપી ઉકેલ લાવવા અને જનપ્રતિનિધિશ્રીને સમયસર પ્રત્યુત્તર પાઠવીને પ્રજાજનોને લોકાભિમૂખ વહિવટની પ્રતીતિ કરાવવા ખાસ અનુરોધ કર્યો છે. સંસદ સભ્યશ્રી મનસુખભાઈ વસાવા, ભરૂચના ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલ, વાગરાના ધારાસભ્યશ્રી અરૂણસિંહ રણા, જંબુસરના ધારાસભ્યશ્રી સંજ્યભાઈ સોલંકી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવિંદ વિજયન, ડી.વાય.એસ.પી., નિવાસી અધિક કલેક્ટરશ્રી જે.ડી.પટેલ, પ્રાંત અધિકારીશ્રીઓ, સહિત અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લા કલેક્ટર ડૉ. એમ.ડી.મોડિયાએ ખેડૂતો, ગરીબો, સામાન્ય અને છેવાડાના નાગરિકો કોઈ પણ લાભથી વંચિત ન રહે તેની ખાસ કાળજી લેવા અધિકારીઓને જણાવ્યું હતું.
સંસદ સભ્યશ્રી મનસુખભાઈ વસાવાએ નાગરિકોની મૂળભૂત પ્રાથમિક જરૂરિયાત પાણી, રસ્તા અને વિજળી જેવી સમસ્યાઓ માટે જિલ્લાના અધિકારીઓ તાકીદે આ કામગીરી હાથ ધરે તેમ જણાવ્યું હતું.
બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ, જમીન સંપાદન, પાણી, રસ્તા, વિજળી, ચેકડેમ બાબતે, શહેરી વિસ્તારમાં ગરીબોને નિવાસ, વિધવા સહાય, વૃધ્ધોને પેન્શન, ઉદ્યોગો દ્વારા રોજગારી આપવા બાબત, મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના, ઉદ્યોગોના પ્રદૂષણયુક્ત પાણી બાબત, પુર અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય આપવા, સ્મશાનગૃહ માટેની જમીન ફાળવવા અંગે, ટ્રાફિક સમસ્યા વિગેરે જેવા જનપ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ થયેલા તમામ પ્રશ્નોની કલેક્ટરશ્રીએ સમીક્ષા કરી હતી અને હકારાત્મક નિકાલ માટે જરૂરી સુચનો કરી સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સબંધિત અધિકારીને સુચના આપી તેની જાણ પદાધિકારીશ્રીઓને કરવા પણ જણાવ્યું હતું.