પોલિયો રસીકરણ અભિયાનની શરૂઆત કરાવતા જિલ્લા સમાહર્તાશ્રી સી. જે. પટેલ

રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનની શરૂઆત મુખ્યમંત્રીશ્રી દ્રારા કરાવ્યા બાદ સમગ્ર રાજ્યમાં પોલિયો અભિયાન શરૂઆત થઈ છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા સમાહર્તાશ્રી સી.જે.પટેલ દ્રારા જિલ્લામાં આ અભિયાનની શરૂઆત શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હિંમતનગર ખાતે બાળકોને પલ્સ પોલિયોના બે ટીપા પીવડાની શુભારંભ કરાવ્યો હતો. બાળ લકવા નાબુદી અભિયાન અંતર્ગત તા. ૧૯ થી ૨૧ જાન્યુઆરી ૨૦૨૦ સુધીના સમયગાળા દરમ્યાન સાબરકાંઠા જિલ્લામાં બાળલકવા નાબુદી અભિયાન અંતર્ગત નવજાત શિશુથી ૫ વર્ષ સુધીના બાળકોને બાળલકવા વિરોધી રસી આપવામાં આવશે
આ પ્રસંગે જિલ્લા સમાહર્તાશ્રી સી.જે. પટેલે જણાવ્યું હતું કે, આ બાળકો ભારતનુ ભવિષ્ય છે માટે તેમના સ્વસ્થ્ય અને તંદુરસ્તીનુ ધ્યાન રાખવુએ દરેક નાગરીકની નૈતિક જવાબદારી છે. માટે આ પલ્સ પોલિયો અભિયાનને સફળ બનાવવા દરેક આરોગ્ય કર્મિ તેમજ સમાજના દરેક નાગરિકની ફરજ છે. ભારતમાંથી પોલિયો નાબુદી થાય તે માટે આ અભિયાનમાં સૌ સાથે મળીને નવજાત શીશુથી લઈને ૫ વર્ષના દરેક બાળકને આ પોલિયોના બે ટીપા પીવડાવી પોલિયો મુક્ત ભારત ઝુંબેશને સફળ બનાવીએ.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.રાજેશકુમાર પટેલે જણાવ્યું હતું કે, તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ ના આઇ.પી.પી.આઇ.પ્રોગ્રામમાં કુલ ૮ તાલુકા હેલ્થ કચેરીઓ વિસ્તારના ૪૮ પ્રા.આ.કેન્દ્ર તેમજ શહેરી આરોગ્ય કેન્દ્રો વિસ્તારમાં કુલ ૮૮૧ પોલિયો રસીકરણ બુથ તેમજ ૩૮ ટ્રાન્ઝીટ પોઇન્ટ તેમજ ૧૨ મોબાઇલ ટીમો મારફતે જિલ્લાના તમામ ૦ થી ૫ વર્ષ સુધીના ૧૯૩૩૦૮ બાળકોને પોલિયો વિરોધી રસીથી રક્ષિત કરવા માટે ૩૫૨૪ આરોગ્ય કાર્યકરો તેમજ સ્વયંસેવકો મારફતે પોલિયો રસીકરણ બુથો ઉપર તેમજ ઘરેઘર ફરીને ૧૭૬૨ ટીમો દ્વારા પોલિયો રસીકરણ કામગીરી કરવા તેમજ જિલ્લાના લાયઝન અધિકારીશ્રીઓ તેમજ ૧૮૧ સુપરવાઇઝરો દ્વારા આઇ.પી.પી.આઇ. પ્રોગ્રામની કામગીરીનું મોનિટરિંગ અને સુપરવિઝન કરવાની કામગીરી કરવામાં આવશે.
આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકા પ્રમુખશ્રી અનિરુધ્ધભાઇ સોરઠિયા, જિલ્લા આર.સી.એચ.અધિકારીશ્રી ડો. જયેશકુમાર પરમાર, બાળરોગ નિષ્ણાતશ્રી ડો. વી.એ.ગોપલાણી, અન્ય અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નવજાત શિશુ થી લઈને પાંચ વર્ષના બાળકોને લઈ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)