દાહોદમાંથી મળી રહેલો સુંદર પ્રતિભાવ દેવગઢ બારિયાનીમાં ચિલ્ડ્રન હોસ્પિટલ કુપોષિત બાળકોની સારવાર

- આંગણવાડીમાં અભ્યાસ કરતા હોવાનો સાદો દાખલો લઇ આવનાર વાલીને તેમના બાળકની સારવાર વિનામૂલ્યે કરાશે
ખાસલેખ – દર્શન ત્રિવેદી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા સૂત્ર સહી પોષણ, દેશ રોશનને ચરિતાર્થ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી શરૂ થયેલા પોષણ અભિયાનને દાહોદ જિલ્લામાંથી સુંદર પ્રતિભાવ મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં આવેલી એક હોસ્પિટલે તેમને ત્યાં આવતા તમામ કુપોષિત બાળકોની સારવાર નિઃશુલ્ક કરવાની જાહેરાત કરી છે.
દેવગઢ બારિયામાં ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા બેંક ઓઇ ઇન્ડિયાની પાસે ચલાવવામાં આવતી માં ચિલ્ડ્રન હોસ્પિટલમાં તાલુકાની આંગણવાડીના કોઇ પણ કુપોષિત બાળકની સારવાર વિનામૂલ્યે કરવાની જાહેરાત સંસ્થાના વ્યવસ્થાપક શ્રી નિલ સોનીએ કરી છે. માં ચિલ્ડ્રન હોસ્પિટલ દેવગઢ બારિયા તાલુકામાં સેવાના મિશન સાથે ૮ માસથી શરૂ કરવામાં આવી છે અને જરૂરત મંદોને સાવ નજીવા દરે સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલનું સંચાલન ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
આ હોસ્પિટલમાં બાળકોના રોગોની તમામ સારવાર ઉપલબ્ધ છે. જેનો લાભ આસપાસની જનતા ઉઠાવી રહી છે. હવે, આ હોસ્પિટલ પોષણ થકી જનસેવાના કાર્યમાં જોડાઇ ચૂકી છે. હોસ્પિટલના વ્યવસ્થાપકોએ જણાવ્યું છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દાહોદ ખાતે પોષણ અભિયાનમાં જોડાવા માટે આહ્વાન કર્યું તેનાથી પ્રેરાઇને અમે નક્કી કર્યું છે કે માં ચિલ્ડ્રન હોસ્પિટલમાં આંગણવાડીના કોઇ પણ કુપોષિત બાળકને વિનામૂલ્યે સારવાર આપશું. હોસ્પિટલમાં બાળરોગોના નિષ્ણાંત તબીબોની સેવા ઉપલબ્ધ છે. દેવગઢ બારિયા તાલુકાની કોઇ પણ આંગણવાડીમાં અભ્યાસ કરતા હોવાનો સાદો દાખલો લઇ આવનાર વાલીને તેમના બાળકની સારવાર વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે.
રીપોટ : જેની શૈખ