વડોદરા જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત મતદાતા દિન ઉજવણી

વડોદરા
જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આયોજિત ૧૦મા રાષ્ટ્રીય મતદાતા દિન ઉજવણી કાર્યક્રમમાં અધિક મુખ્ય જિલ્લા ન્યાયાધિશ શ્રી સુથાર તથા નિવાસી અધિક કલેકટરશ્રી દિલીપ પટેલે દીપપ્રાગ્ટય કરી કાર્યક્રમને પ્રારંભ કરાવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે વર્ષ-૨૦૧૩માં નોટા નો વિકલ્પ પણ આપ્યો છે એની યાદ અપાવતા વડોદરાના અધિક મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી સુથારે આપણે સહુ મત આપીએ અને અપાવીએ એવો સંકલ્પ કરવાનો અનુરોધ કર્યો છે. વડોદરા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા આયોજિત દસમા રાષ્ટ્રીય મતદાર દિવસની ઉજવણી પ્રસંગે જણાવ્યું કે, મતદાન માટેની ઉદાસીનતા ઠીક નથી. મતાધિકાર એ તમામ નાગરિક અધિકારોનો મૂળ અધિકાર છે એનાથી જ લોકશાહીનું જતન થશે. એટલે સહુએ મતદાન અવશ્ય કરવું જોઈએ.
તેમણે જણાવ્યું કે, વાહન પરવાનો મેળવવો કે તે પ્રકારના અન્ય અધિકારો માટે સમાજમાં જે સહજ જાગૃત્તિ જોવા મળે છે એ મતદાનની બાબતમાં જોવા મળતી નથી. મતદાર તરીકે નામ નોંધાવવા કે મતદાન કરવા માટે જાગૃતિ અભિયાન કરવું પડે છે. તેના બદલે સમાજમાં મતદાન કરવાની સ્વયંભૂ જાગૃતિ કેળવાય એ ઇચ્છનીય છે. આવો આપણે સહુ જાગૃત્ત મતદાર બનીએ એવો ખાસ અનુરોધ તેમણે કર્યો હતો અને રાજયના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે વિભૂષિત થવા માટે જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલને અભિનંદન આપ્યા હતા.
જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય સુધીર જોષીએ જણાવ્યું કે, લોકશાહી પર્વની ઉજવણીનો દિન છે. ઇલેકટ્રોકલ લીટરસી ફોર ડેમોક્રસી પર ચૂંટણીપંચ સતત કાર્ય કરી રહ્યું છે. રાષ્ટ્રીય મતદાતા દિને નવા મતદાતાઓને મતદાન માટે જાગૃત્ત કરવા અને સુપેરે ચૂંટણી ફરજ બજાવનારા અધિકારી-કર્મચારીશ્રીઓને સન્માનિત કરવામાં આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી વડોદરા જિલ્લાને ચૂંટણીલક્ષી કામગીરી માટે એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. ડૉ. જોષીએ વધુમાં કહ્યું કે, ચૂંટણીલક્ષી કામગીરી માટે ચૂંટણી શાખા સતત કાર્યશીલ રહે છે. વર્ષ ૨૦૧૪, ૨૦૧૭ અને ૨૦૧૯ દરેક વખતે જુદાં-જુદાં પડકારો હતા જે પડકારો ઝીલીને જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવી હતી. ઇન્ડિગો એરશટલ બસ દ્વારા ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વધુમાં વધુ મતદાન કરવા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. આ તકે વિડીયો પ્રમોશન્સ માટે મોનિકા શર્માનો આભાર વ્યક્ત કર્યો હતો.
છેલ્લા ત્રણ વર્ષથી ફિમેલ યુથ આઇકોન તરીકે કાર્ય કરતા આરજે વિશ્વમોહિની ચાણક્ય ભટ્ટે કહ્યું કે, મતદાન જાગૃત્તિ માટે લોકોને યાદ કરાવવું પડે છે જયારે કે દરેક હક્કોથી ઉપર છે મતદાનનો અધિકાર. નાગરિકોને મતદાન અને ચૂંટણીલક્ષી બાબતોથી વાકેફ કરવા તેઓ સતત એક્ટિવ રહેશે તેવી ખાતરી વ્યક્ત કરી હતી. પૂર્વ સૈનિક સેવા પરિષદના જનરલ સેક્રેટરીશ્રી વિનોદ કરણીકરે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતુ.
આ પ્રસંગે મતદાર નોંધણી અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણીઓની વિવિધ કામગીરી શ્રેષ્ઠ રીતે કરવા માટે અધિકારીઓ અને કર્મચારીઓ તથા કેમ્પસ એમ્બેસેડર તરીકે ઉત્તમ કામગીરી કરનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રચાર-પ્રસારની અભિનવ અને અસરકારક કામગીરી માટે જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય સુધીર જોષીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય નિર્વાચીન અધિકારીશ્રી સુનીલ અરોડા દ્વારા પાઠવવામાં આવેલ સંદેશ આ તકે દર્શાવવામાં આવ્યો હતો. મતદાતા જાગૃત્તિ માટેની શોર્ટ ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી આશુતોષરાજ પાઠક, નિવાસી અધિક કલેકટરશ્રી ડી.આર. પટેલ, જિલ્લા આયોજન અધિકારીશ્રી જીતેન્દ્ર રાવલ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ગોકરાણી, સુશ્રી મનિષા બ્રહ્મભટ્ટ, પ્રાંત અધિકારી સુશ્રી ખ્યાતિ પટેલ, શ્રી પટ્ટણી સહિતના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.