પત્રકાર એકતા સંગઠનની બનાસકાંઠામાં મજબૂત આગેકૂચ : સરહદી સુઇગામ તાલુકા એકમની સંગઠન રચના પૂર્ણ….

પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય અને રાજસ્થાન સાથેની આંતરરાજ્ય સરહદે વસેલા સરહદી બનાસકાંઠા જિલ્લામાં પત્રકાર એકતા સંગઠન ઉત્તરોત્તર વધુ મજબૂત બની રહ્યું છે. આજે છેક પાકિસ્તાન બોર્ડર પર આવેલા સુઇગામ તાલુકામાં પણ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીની સૂચના અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ પત્રકાર એકતા સંગઠનની રચના પૂર્ણ થઈ ગઈ છે. પત્રકાર એકતા સંગઠનના પ્રદેશ પ્રમુખ લાભુભાઈ કાત્રોડીયા સહિત પ્રદેશ સ્તરના અન્ય હોદ્દેદારોના સલાહ સુચન મુજબ બનાસકાંઠા એકમના પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ પોતાની ટીમને વધુ મજબૂત બનાવવા કમર કસી છે. પ્રદેશ ઉપપ્રમુખ જગદીશસિંહ રાજપૂત અને ઝોન પ્રભારી અંબારામ રાવલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીની સુચનાથી આજે સરહદી તાલુકા મથક સુઇગામ ખાતેના રેસ્ટ હાઉસમાં સુઇગામ તાલુકાના પત્રકાર મિત્રોની ખાસ બેઠક યોજાઇ હતી.
સંગઠનના ઉત્સાહી જિલ્લા ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ ઓઝાના અધ્યક્ષ સ્થાને તેમજ સુઇગામ તાલુકાના સંગઠન પ્રભારી કાંતુભા રાઠોડ (ભાભર) અને થરાદ તાલુકા એકમના નવનિયુક્ત પ્રમુખ ભુરપુરી ગોસ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ મિટિંગમાં સુઇગામ તાલુકાના પત્રકાર મિત્રોએ પત્રકાર એકતા સંગઠનની રચનાને આવકારી સામુહિક રીતે સંગઠનમાં જોડાવવાનો નિર્ણય જાહેર કર્યા બાદ ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં લોકશાહી ઢબે નવા હોદ્દેદારોની નિયુક્તિની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે દરમ્યાન બેઠકમાં ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રોએ સુઇગામ તાલુકા એકમના પ્રમુખ તરીકે એક સુરે રાજુભાઈ ઠાકોરના નામની દરખાસ્ત રજૂ કરતા રાજુભાઇ ઠાકોરની પ્રમુખ પદે બિનહરીફ વરણી કરાઈ હતી.
જ્યારે ઉપપ્રમુખ તરીકે રામસિંહ રાજપુત, મંત્રી તરીકે દશરથજી ઠાકોર, ખજાનચી તરીકે નવિનભાઈ ચૌધરી તેમજ અન્ય હોદ્દેદારોની સર્વાનુમતે નિર્વિરોધ વરણી કરાઈ હતી. નિયુક્તિ પ્રક્રિયા પૂર્ણ થઈ હોવાના અહેવાલો બાદ જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોસ્વામીએ સુઇગામ તાલુકાના નવનિયુક્ત પ્રમુખ રાજુભાઈ ઠાકોરનો ટેલિફોનિક સંપર્ક કરી તેમને અને તેમની ટીમને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવી નવી ટીમ પાકિસ્તાનના લાહોર સુધી પત્રકાર એકતા સંગઠનની મજબૂતીનો સંદેશ પહોંચાડે એવું મજબૂત કામ કરવા આહવાન પણ કર્યું હતું.