ભિલોડામાં દિવ્યાંગ બાળકોનો સાધન સહાય કેમ્પ યોજાયો

આજરોજ બી.આર.સી. ભવન ભિલોડા ખાતે ALIMCO-કાનપુર (UP) સંસ્થાના સહયોગથી ભિલોડા તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધન સહાય આપવામાં આવી. ચારેક માસ પૂર્વે દિવ્યાંગ બાળકોનું ડોકટરની ખાસ ટીમ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું, આ એસેસમેન્ટમાં થયેલ તપાસના આધારે 80 જેટલા દિવ્યાંગ બાળકોને વ્હીલચેર, ટ્રાઇસીકલ, સેન્સર સ્ટીક, હિયરિંગ એઇડ, એમ.આર.કીટ, કેલીપર્સ, સી.પી. ચેર વગેરે સહિત બે અંધ દિવ્યાંગ બાળકોને વાપરી શકે એવા ફીચર સાથેનો સ્માર્ટફોન અને સ્માર્ટ કેન જેવા વિવિધ ચારેક લાખ રૂપિયાના સાધનોની સહાય આપવામાં આવી હતી.
આ સાધન સહાય કેમ્પમાં જિલ્લા આઈ.ઇ.ડી.કો. અને કરાર આધારિત એસ.એસ.એ. કર્મચારી સંઘના ગુજરાત રાજ્યના પ્રમુખ શ્રી અમિતભાઇ કવિ, સામાજિક કાર્યકર શ્રી નિલેશભાઈ જોષી, સફળ દિવ્યાંગ એવા દેવાંગભાઈ ચૌધરી, જાણીતા પત્રકાર શ્રી જીતભાઈ ત્રિવેદી સહિત 200 જેટલા દિવ્યાંગ બાળકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પનું સફળ સંચાલન ભિલોડા તાલુકા બી.આર.સી.કો. પંકજભાઈ ચૌહાણ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)