બાળકોને પોષક આહાર યોગ્ય રીતે આપવામાં આવે તેની જવાબદારી સૌની છે : ઈશ્વરસિંહ પટેલ

ભરૂચ,
ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ અંતર્ગત યોજાયેલા કાર્યક્રમના બીજા દિવસે સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં અંકલેશ્વર તાલુકામાં કોળી પટેલ સમાજ હોલ – અંદાડા ખાતે પોષણ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે તાલુકા પંચાયત અંકલેશ્વરના પ્રમુખ શ્રીમતિ માલતીબેન સોલંકી, પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરા, આઈસીડીએસ અધિકારીશ્રી કોમલબેન ઠાકોર, જિલ્લા પંચાયત સદસ્યશ્રી નીરૂબેન પટેલ, મગનભાઈ વસાવા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ ના કાર્યક્રમ પ્રસંગે પ્રારંભે દિપ પ્રાગટ્ય થયા બાદ પોષણ આરતી, મહાનુભાવોના હસ્તે અન્નપ્રાસનવિધિ તથા ટી.એચ.આર.નું વિતરણ થયું હતું. પ્રાથમિક કુમાર શાળા અંદાડાના બાળકો ધ્વારા બાળ પોષણ અદાલતનું નાટક રજૂ થયું હતું. આ ઉપરાંત “ બીજુ પિયર ઘર ” ફિલ્મનું નિદર્શન રજૂ થયું હતું. બાળ તંદુરસ્તી અને વાનગી હરિફાઈ લાભાર્થીઓને ઈનામ વિતરણ તથા પાલકદાતાઓનું મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે સન્માન કરાયું હતું. આ ઉપરાંત વિશિષ્ટ કામગીરી કરનાર આંગણવાડી બહેનોને શાલ ઓઢાડી સન્માન કરાયા હતા.
અધ્યક્ષસ્થાનેથી સહકાર રાજ્ય મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, બાળકો, કિશોરીઓ અને માતાઓના પોષણસ્તરમાં વધારો થાય તે હેતુસર મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ત્રિદિવસીય પોષણ અભિયાનનું આયોજન કર્યું છે. બાળકોને પોષક આહાર યોગ્ય રીતે આપવામાં આવે તેની જવાબદારી સૌ નિભાવે તેમ જણાવ્યું હતું.
પોષણ અભિયાન સારી રીતે આગળ ધપાવવા પોષણ ત્રિવેણી જેમાં આંગણવાડી વર્કર, આશા વર્કર અને એ.એન.એમ. બહેનોની ત્રિવેણીથી આ અભિયાનને સફળતા અપાવવી છે તેમ જણાવી મંત્રીશ્રીએ આઈસીડીએસ સેવાઓની મહત્વની યોજનાઓની વિગતે માહિતી આપી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીએ જનભાગીદારીના ઉત્કૃષ્ઠ ઉદાહરણરૂપ પાલકવાલીની વાત મુકી આંગણવાડીના કોઈ પણ એક અતિ નબળા અલ્પપોષિત બાળકના સ્વયં પાલકવાલી બની અને પાલકવાલી તરીકે આંગણવાડીમાં જઈને બાળકના આરોગ્ય, પોષણની ચિંતા કરે તેવો અનુરોધ ઉપસ્થિત સૌને કર્યો હતો.
પ્રાંત અધિકારીશ્રી રમેશભાઈ ભગોરાએ ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ ની વિસ્તૃત સમજણ આપી હતી અને આ ઉમદા કાર્યમાં સૌને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતિ માલતીબેન સોલંકીએ એક પણ બાળક કુપોષિત ન રહે તે માટેના આ જનજાગૃત્તિ અભિયાનમાં સૌ જોડાય તેવી અપેક્ષા સેવી હતી.
પ્રારંભમાં આઈસીડીએસ અધિકારી શ્રી કોમલબેન ઠાકોરે ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યા બાદ ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦-૨૨ ની વિસ્તૃત વિગતોની ઝાંખી કરાવી હતી. પ્રાથમિક કન્યાશાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું હતું. અંતમાં આભારવિધિ ઈ. સીડીપીઓ રોશનબેને કરી હતી. મંત્રીશ્રી તથા મહાનુભાવોએ અંદાડા ગામે આંગણવાડીની પણ મુલાકાત લીધી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી સંદિપભાઈ, આગેવાન પદાધિકારીઓ, મામલતદારશ્રી, મેડિકલ ઓફિસરશ્રી, સરપંચશ્રી, ગામ આગેવાનો, આશા વર્કર, આંગણવાડી વર્કર, મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.