માર્કેટિંગ નું ઉચિત મોડેલ વિકસાવીને ઓર્ગેનિક ઉત્પાદનોનું હબ બનાવી શકાય: ગણપત વસાવા

- જનજાતિય આજીવિકા કાર્યશાળાના સમાપન સત્રમાં આપ્યું માર્ગદર્શન….
વડોદરા
વન અને આદિજાતી વિકાસ મંત્રીશ્રી ગણપતભાઇ વસાવા એ એમ.એસ.યુનિવર્સીટી ની શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદ આયોજિત જનજાતિય આજીવિકા કાર્યશાળાના સમાપન પ્રસંગે રવિવારે જણાવ્યું કે માર્કેટિંગ નું ઉચિત મોડેલ વિકસાવી એ તો આદિજાતી અને વન વિસ્તારો ઓર્ગેનિક ઉત્પાદનો નું હબ બની શકે છે. એમણે જણાવ્યું કે આ વિસ્તારમાં થતી ઔષધીય વનસ્પતિઓ ઘણી મોટી માંગ છે અને તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા મેળામાં ૪ દિવસમાં ૧૪ લાખની વન ઔષધિઓનું વેચાણ થયું છે. તેમણે જણાવ્યું કે આદિજાતિ સમુહોને તેમના વિસ્તારમાં જ સ્થાયી રાખવા શિક્ષણ,ખેતી અને પશુપાલન આધારિત રોજગારી ને પ્રોત્સાહિત કરવાની જરૂર છે ગુજરાત સરકારે જંગલ જમીન કાયદા હેઠળ ૧૫ વર્ષમાં ૧૩ લાખ એકર જમીનના અધિકારો આપ્યા છે. તેમણે ભારતીય ચિંતન આધારિત ગ્રામ વિકાસને પ્રોત્સાહન આપવાની ખાસ ભલામણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની શાશ્વત વિકાસ પ્રબોધન પરિષદ દ્વારા ઉન્નત ભારત અભિયાનના સહયોગ થી બે દિવસની જનજાતિય આજીવિકા : ઉજ્જવળ ભાવિના પ્રયાસો વિષયક વિષયક બે દિવસની રાષ્ટ્રીય પરિષદ યોજવામાં આવી હતી.એના વિવિધ સત્રોમાં આદિવાસી ક્ષેત્રોમાં થી રોજગારી માટે હિજરત અટકાવવા અને વન તથા ખેતી આધારિત અર્થતંત્રને વેગ આપી ગામડાઓમાં જ રોજગારીની તકોનું નિર્માણ કરવા, વન ઉછેર અને રક્ષણ સાથે લોકોને જોડી વન સંપદાનું સર્જન કરવા,દેશી બિયારણો અને શુદ્ધ ખેતી, ગૌ ઉછેર અને પશુપાલન દ્વારા આવકના સ્ત્રોતો ઉભા કરવા સહિત ની બાબતોનો વ્યાપક વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત મહારાષ્ટ્રના બારીપાડા ગામમાં ૪૦૦ એકર જમીનમાં જંગલ ઉછેરી રૂ.૬ હજાર કરોડની ગ્રામ સંપદા ના સર્જન જેવા પ્રયોગોની ચર્ચા કરવામાં આવી હતી.સમાપન સત્રમાં સમાજસેવી ઉધોગપતિ શિવલાલ ગોયલ,પશુપાલન દ્વારા ગ્રામવિકાસ ના મોડલના હિમાયતી ડો.ગજાનન ડાંગે એ માર્ગદર્શન આપ્યું હતું.પરિષદના નિયામક પ્રદીપ અગ્રવાલે પરિષદના તારણો ની ચર્ચા કરી હતી. એમ.એસ .યુનિવર્સિટીના કુલપતિ પ્રા.પરિમલ વ્યાસે ગ્રામ ઉત્કર્ષલક્ષી અને ગ્રામ વિકાસના નવોદિત મોડેલ ને વેગ આપતાં કાર્યક્રમોને યુનિવર્સિટીના સમર્થનની ખાત્રી આપી હતી.બેચલર ઓફ સોશ્યલ વર્કના ક્ષેત્રીય અભ્યાસ કાર્યક્રમોમાં વિધાર્થીઓને આવા સફળ પ્રકલ્પોમાં કાર્યાનુભવ માટે મોકલવા ખાસ અનુરોધ કર્યો હતો. પ્રા.મગનભાઈ પરમારે આભાર દર્શન કર્યું હતું.