કડી-નંદાસણ રોડની હાલત બિસ્માર : વાહનચાલકો હેરાન પરેશાન

કડી થી મહેસાણા જતો કડી-નંદાસણ રોડ ચાર વર્ષ પહેલા બન્યા બાદ એક જ વર્ષમાં બિસ્માર બની ગયો હતો જેથી તેને રૂ.13 કરોડના ખર્ચે ચાર માર્ગીય બનાવવાની મુદતને પણ એક વર્ષ જેટલો સમય થયી ગયો હોવા છતાં રોડ બનાવવાની કામગીરી ચાલુ ના થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. કડી આસપાસ સાણંદ, વિઠ્ઠલાપુર જેવા ઔટોમોબાઇલ હબ વિકસિત થતા ટ્રાન્સપોર્ટ માટે કડી દેત્રોજ વિઠ્ઠલાપુર રોડ બાદ કડી નંદાસણ સુધીના 11 કિલોમીટર રોડને ચારમાર્ગીય બનાવવાનું કાર્ય માર્ગ અને મકાન વિભાગે રૂ.13 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું હતું.
જેમાં 25% સુધી નીચેના ભાવે ક્લોલની ફોર્ચ્યુન બિલ્ડર્સ કોન્ટ્રાકટ કંપનીએ રાખ્યો છે તેમ છતાં છેલ્લા એકાદ વર્ષથી રોડ નું કામ મંથરગતિએ ચાલી રહ્યું હોવાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. રોડના કામની સમયમર્યાદાપૂર્ણ થયાને એક વર્ષ જેટલો સમય વીતવા છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ના હોવાનું જોવા મળ્યું છે. રોડના નિર્માણ અંગે માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જીનીયર તુષાર પટેલનો સંપર્ક કરતા તેમણે મીટિંગ માં હોવાનું જણાવી પછીથી વાત કરવા જણાવ્યું હતું.