ગુજરાતના એક IPS અધિકારીએ 300 કરોડની લાંચ લીધાનો ગંભીર ધડાકો…!!

અમદાવાદ
ગુજરાત પોલીસ સામે સૌથી મોટો આરોપ કોઇ વિપક્ષ દ્વારા નહીં પરંતુ પોલીસ ખાતામાં જ ફરજ બજાવી નિવૃત થનાર પૂર્વ આઇપીએસ અધિકારી આર.જે.સવાણી નામના ઉચ્ચ અધિકારીએ કર્યો છે. જેમાં તેમણે ગુજરાત કેડરના એક આઇપીએસ અધિકારીએ 300 કરોડની લાંચ લીધી હોવાનો ફરી ઘડાકો ફેસબુક પર કર્યો છે. તેમની આ પોસ્ટના પગલે પોલીસ બેડામાં ભારે ખળભળાટ તો મચ્યો છે સાથે સાથે તાજેતરમાં નિવૃત થયેલા એક પૂર્વ આઇપીએસ દ્વારા ગંભીર આરોપ છતાં તેની તપાસ માટે ગુજરાત સરકારમાં કોઇ હલચલ નહીં થતાં પોલીસ તંત્રમાં પણ તરેહ તરેહની અટકળો વહેતી થઇ છે અને એવો અંદેશો વ્યક્ત કરાઇ રહ્યો છે કે સરકાર જાહેરમાં આવો આરોપ મૂકનાર અધિકારીની સામે કાર્યવાહી કરશે.
રમેશ સવાણી નામના ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી મૂળ ગુજરાતના ગુજરાતી તથા છેલ્લે તેઓ વડોદરા પોલીસ ટ્રેનીંગ સ્કૂલના સંચાલક તરીકે ફરજ બજાવીને નિવૃત થયા છે. સોશ્યલ મિડિયા ફેસબુક પર તેમણે તાજેતરમાં જ ગુજરાત પોલીસ ખાતામાં શું ચાલે છે તેની વિગતો જાહેર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે કઢી અભડાય, દૂધપાક નહીં! નાનો પકડાય, મોટો નહીં. સમરથ કો નહીં દોષ ગુસાંઈ ! પોલીસમાં કરપ્શનની ગંગોત્રી ઉપરથી વહે છે. સવાણીએ સવાલ કર્યો છે કે પોલીસમાં કરપ્શનની ગંગોત્રી ક્યાંથી વહે છે? એ પણ સવાલ કર્યો કે શબ્દની પાછળ નજથ એટલે કે સર્વિસ લખી શકાય?
ગુજરાત પોલીસમાં ભ્રષ્ટાચાર તેની ચરમસીમા પર પહોંચ્યો છે. અધિકારીઓ નોન-કરપ્ટ હોવાનો ઢોંગ કરે છે, ગુજરાત કેડરના એક અધિકારીએ વડોદરામાં 300 કરોડની લાંચ લીધી હતી. આ અધિકારી સામે 300 કરોડની લાંચની ઈન્કવાયરી ચાલતી હતી, છતાં આ કરપ્ટ અધિકારીની નિમણૂંક થઈ હતી. ફેસબુક પર તેમણે સંભવત: પોલીસ ખીતામાં નોકરી દરમ્યાન તેમને થયેલા અનુભવો, જોયુ-જાણ્યું વગેરેનો જાણે કે નિચોડ મૂક્યો હોય તેમ કોઇને છોડ્યા નહોતા. તેમની વિવાદી પોસ્ટમાં તેમણે એક આઇપીએસ અધિકારીએ 300 કરોડની લાંચ લીધી અને જે તપાસ એજન્સીએ તેમની સામે તપાસ હાથ ધરી તે જ તપાસ એજન્સીમાં તેમની નિમણૂંક થઇ હોવાનો ઉલ્લેખ પણ તેમણે કરીને ભારે વિવાદ જગાવવાનો પ્રયાસ કર્યો છે.
નાયબ સીએમ નીતિન પટેલે તાજેતરમાં એક કાર્યકેરમમાં એવો બળાપો વ્યક્ત કર્યો કે ગુજરાતના લોકો આઇપીએસ અને આઇએએસમાં જતા નથી અને સચિવાલયમાં બિન ગુજરાતી અધિકારીઓના નામોના પાટિયા જોઇને તેમને દુખ થાય છે. એક મૂળ ગુજરાતી એવા આર.જે. સવાણીએ પોલીસ ખાતામાં ચાલતાં કથિત ભ્રષ્ટાચારનો ભાંડો ફેસબુકના માધ્યમથી ફોડી નાંખ્યો છતાં ગુજરાત સરકારે તેમની સામે કે તેમણે કરેલા દાવાઓની ચકાસણી માટે કોઇ સમિતિ નિમવાની કે તપાસ કરવાની પણ હિલચાલ નહીં કરતાં પોલીસ બેડામાં ઘણાંને નવાઇ લાગી રહી છે. સવાણીએ એસીબીના પીઆઇ જે.જે. ચાવડા 18 લાખની લાંચ લેતા ઝડપાયા,, નાયબ ડીએસપી જે.એમ ભરવાડ 8 લાખની લાંચ લેતા ઝડપાયા એવો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે ગુજરાતમાં સૈૌથી વધુ કરપ્શન તો આઇપીએસ અધિકારીઓ કરે છે! સામાન્ય કોન્સ્ટેબલ તો હિમશિલાનું ટોચકુ છે.
સૂત્રોએ કહ્યું કે સવાણી કોઇ સામાન્ય નથી. તેમણે ગુજરાત પોલીસમાં આખી જિંદગી ફરજ બજાવીને તાજેતરમા જ વય મર્યાદાને કારણે નિવૃત થયા છે. શક્ય છે કે સરકારે તેમને સારી પોસ્ટીંગ નહીં આપી હોવાથી બળાપો કાઢ્યો હશે. પરંતુ તેના આરોપો સાવ કાઢી જેવા નથી. ગુજરાતમાં એક આઇપીએસ અધિકારી 300 કરોડની લાંચ લે તો એ કેસમાં કેટલી રકમ સંડોવાયેલી હશે એવો સવાલ પણ પોલીસ બેડામાં ચર્ચાઇ રહ્યો છે. જુના પોલીસ અધિકારીઓ અથવા આ કેસ સાથે જોડાયેલા પોલીસ સત્તાવાળાઓ તેમનું નામ જાણતા હશે પણ સવાણીએ તેમનું નામ જાહેર નહીં કરીને રહસ્યના જાળા સર્જ્યા છે ત્યારે પોલીસ બેડામાં એવી પણ ચર્ચા છે કે સવાણીએ તેમનું નામ જાહેર કરવાની હિમત કેમ ના કરી ? શું તેઓ પણ તેમનાથી ડરી ગયા કે શું?
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)