લીંબડીની સગીરાને ભગાડી જનારા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર

- મોબાઈલ ફોનથી જ કૂમળું માનસ ધરાવતી સગીરાને ફોસલાવી હતી
લીંબડીની 13 વર્ષ અને 5 માસની સગીરને મોબાઈલ ફોન પર મીઠી-મીઠી વાતો કરી ભોળવીને ભગાડી જનાર આરોપીના કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. રિમાન્ડ દરમિયાન મોબાઈલ ફોન દ્વારા જ સગીરાના સંપર્કમાં આવ્યો હોવાની આરોપીએ કબુલાત કરી હતી. લીંબડીમાં ધો.9માં ભણતી સગીરાને જાખણ ગામનો સંકેત હસમુખભાઈ ધોળકીયા ફોસલાવીને ભગાડી ગયો હતો. 13 વર્ષ અને 5 મહિનાની કૂમળું માનસ ધરાવતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયાની વાત બહાર પડતા દરેક સમાજના લોકોએ સંકેત ધોળકીયા ઉપર ફિટકાર વરસાવી હતી. ભવિષ્યમાં કોઈ માતા-પિતાની કુમળી બાળા સાથે આવું ન બને તે માટે નરાધમને ઝડપી કાયદાનું ભાન કરાવવા ચોમેરથી માંગ ઉઠી હતી.
સીપીઆઈ બી.કે.પટેલ, હળદેવસિંહ સહિતનાએ ગણતરીની કલાકોમાં સંકેત ધોળકીયાને ઝડપી પાડયો હતો. લીંબડી કોર્ટમાં આરોપીને રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે સોમવાર સુધી 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા. રિમાન્ડ દરમિયાન જાણવા મળ્યું હતું કે 4 મહિના પહેલા મોબાઈલ ફોન દ્વારા જ સગીરાના સંપર્કમાં આવ્યો હતો. મીઠી અને લોભામણી વાતો કરી સગીરાને ફસાવી હતી. અનેક સપના દેખાડી માસૂમ સગીરાને ઘરથી ભાગી જવા મજબૂર કરી હતી. આવા નરાધમોથી સગીર સંતાનોને બચાવવા મોબાઈલ ફોન નહીં પરંતુ સાચી સમજ આપવી જરૂરી બની ગઈ છે. આ કિસ્સો દરેક સગીર માતા-પિતા અને પરિવારજનો માટે લાલબત્તી સમાન સાબિત થયો છે.
આરોપી – સંકેત ધોળકીયા
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)