એલઆરડી ભરતી આંદોલન મામલે સરકાર ઝૂકી, જૂનો પરિપત્ર રદ થશે

અમદાવાદ,
એલઆરડી ભરતી મામલે થઈ રહેલા વિવાદને કારણે રાજ્ય સરકારે ૧-૮-૧૮નો પરિપત્ર રદ કર્યો છે. હવે તેમાં સુધારો કરી નવો પરિપત્ર કરવામાં આવશે. છેલ્લા બે મહિનાથી સરકારી નોકરીઓમાં જનરલ કેટેગરીની મહિલાઓ માટે અનામત રાખેલી બેઠકો પર યોગ્ય ઉમેદવાર ન મળતા ખાલી રહેલી બેઠકો ભરવા અંગે વિવાદ વકરી રહ્યો છે. આ બેઠકોને જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારો વડે ભરવાના ૧ ઓગસ્ટ ૨૦૧૮ના જીએડીના પરિપત્ર સામે રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ પરિપત્રને લીધે એલઆરડી ભરતી પ્રક્રિયાથી વિવાદનો મધપૂડો છેડાયો હતો. આ પરિપત્રનો માલધારી, આદિવાસી, મહિલાઓ, ઓબીસી-એસસી અને એસટી સમાજના ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ ઓબીસી-એસસી અને એસટી સમાજના ઉમેદવારોની માગણી છે કે, મહિલાઓ માટે અનામત રખાયામાંથી ખાલી રહેલી બેઠકો જનરલ કેટેગરીના પુરુષ ઉમેદવારોથી નહીં પરંતુ અનામત કેટેગરીની મહિલાઓથી ભરવી જાઈએ.
૧ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ કરવા જીએડી દ્વારા કરવામાં આવેલા આ પરિપત્રના મુદ્દા નં. ૧૨ અને ૧૩ની જાગવાઈઓ અંગે હાલ વિવાદ ઉભો થયો છે. આ પરિપત્ર મુજબ, મેરિટના આધારે અનામતવાળી મહિલા પસંદગી પામે તો તેને અનામતના ક્વોટામાં જ ગણવાનો ઉલ્લેખ છે. જેની સામે આ મહિલાઓ આંદોલન પર ઉતરી છે.