મતદાર યાદીની તંદુરસ્તી સૂચવતા ઈપી રેશિયોમાં થયેલો ઉલ્લેખનીય સુધારો..

વડોદરા
વડોદરા જિલ્લા ચૂંટણી તંત્રે તાજેતરમાં ભારતના ચુનાવ આયોગના દિશા નિર્દેશો પ્રમાણે હાથ ધરેલી અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીમતી શાલિની અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પૂરી કરેલી વડોદરા શહેર અને જિલ્લાની મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરીને નોંધપાત્ર સફળતા મળી છે. આ અભિયાન હેઠળ ૧૮ થી ૧૯ વર્ષની ઉંમરના નવા ૨૭,૫૩૫ સહિત કુલ ૬૬,૦૪૨ મતદારો ઉમેરાયા છે. ખાસ વાત તો એ છે કે, મતદાર યાદીની સચોટતા અને તંદુરસ્તી ઇલેક્ટોરલ પોપુલેશન(ઈ પી) રેશિયોના આધારે આંકવામાં આવે છે અને એમાં પણ ઉલ્લેખનીય સુધારો શક્ય બન્યો છે. જિલ્લા મતદાર યાદીમા હવે નવા નોંધાયેલા સહિત યુવા મતદારોની સંખ્યા ૪૩૦૫૬ છે.
આ ઝૂંબેશ દરમિયાન ૩૦,૯૪૫ મતદારોની અરજીઓના આધારે તેમના નામ, તસવીર કે અન્ય બાબતોમાં સુધારા કરવામાં આવ્યા છે એવી જાણકારી આપતાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આર.પી.જોષીએ જણાવ્યું કે, મતદારોની અરજી રૂપે રજૂઆતોને આધારે ૧૩,૪૦૭ મતદારોના નામો મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે.
શ્રી જોષીએ વધુ જાણકારી આપતાં કહ્યું કે, ડિસેમ્બર-૨૦૧૯ની ૧૬મી તારીખે મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી ત્યારે જિલ્લાની મતદાર યાદીમાં કુલ ૨૪,૦૫,૬૫૭ મતદારો નોંધાયેલા હતા. સુધારણાની કામગીરી બાદ જિલ્લાના કુલ મતદારોની સંખ્યા વધીને ૨૪,૭૧,૬૯૯ થઈ છે. હાલની સ્થિતિ એ વડોદરા જિલ્લાની મતદાર યાદીમાં ૧૨,૬૯,૧૫૪ પુરુષો અને ૧૨,૦૨,૩૪૫ સ્ત્રીઓ તેમજ ૨૦૦ અન્ય મળીને કુલ ૨૪,૭૧,૬૯૯ મતદારો નોંધાયેલા છે.
શહેર અને જિલ્લાની વિધાનસભા બેઠકવાર મતદાર સંખ્યાની વર્તમાન સ્થિતિ અનુસાર હાલ સાવલી બેઠકમાં ૨,૧૯,૮૪૬, વાઘોડિયામાં ૨,૩૩,૧૦૦, ડભોઇમાં ૨,૧૪,૧૫૨, વડોદરા શહેરમાં ૨,૯૧,૬૯૧, સયાજીગંજમાં ૨,૮૭,૮૨૯, અકોટામાં ૨,૬૦,૧૫૨, રાવપુરામાં ૨,૮૭,૬૫૦, માંજલપુરમાં ૨,૪૮,૫૧૬, પાદરામાં ૨,૨૪,૪૫૯ અને કરજણમાં ૨,૦૪,૩૦૪ મતદારો છે.
નોંધ લેવી ઘટે કે, જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વર્ષ ૨૦૨૦ની સ્થિતિ એ જિલ્લાની વસ્તી ૩૫.૭૪ લાખનો અંદાજ મૂકવામાં આવ્યો હતો. તેની સામે ૨૪.૭૧ લાખથી વધુ મતદારો નોંધાયેલા છે. એટલે વસ્તી અને મતદાર સંખ્યાનો ગુણોત્તર એટલે કે ઈપી રેશિયો ૬૯.૧૬ ટકા જેટલો ઊંચો છે. ઝૂંબેશ શરૂ થઈ એ પહેલાં આ રેશિયો ૬૭.૯૪ હતો. આમ,તેમાં સુધારો થયો છે. આ ઇપી રેશિયોને મતદાર યાદીની તંદુરસ્તીનો સૂચકાંક ગણવામાં આવે છે. વસ્તી અને મતદારોની સંખ્યાનો ગુણોત્તર એટલે કે રેશિયો ૬૦ ટકા હોય એ આદર્શ સ્થિતિ ગણાય છે. એ રીતે વડોદરા જિલ્લાની મતદાર યાદી ખૂબ સચોટ અને તંદુરસ્ત છે એવું કહી શકાય. આ ઉપરાંત નવી સુધારેલી મતદાર યાદીમાં ઝુંબેશના રૂપમાં ૧,૮૦૦ જેટલી ડી.એસ. ઈ.(ડેમોગ્રાફિક સિમિલર એન્ટ્રી) અને ૧,૪૦૦ જેટલી લોજીકલ એરરની ચકાસણી કરીને એની સુધારણા કરી લેવામાં આવી છે.